android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Anand : વિદેશ મોકલવાના નામે 79.80 લાખનું ફુલેકું, નકલી વિઝા આપી ‘બંટી-બબલી’એ યુવાનોને ફસાવ્યા

calendar_todaySeptember 10, 2026

Anand : વિદેશ મોકલવાના નામે 79.80 લાખનું ફુલેકું, નકલી વિઝા આપી ‘બંટી-બબલી’એ યુવાનોને ફસાવ્યા

આણંદ શહેરના નાવલીવાળા બિલ્ડિંગમાં ‘ક્રિશ્ના ઓવરસીઝ કન્સલ્ટન્સી’ નામની ઓફિસ ખોલી વિદેશ જવા ઇચ્છુક યુવાનોને UK, દુબઈ અને યુરોપના દેશોમાં મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રાથમિક ફરિયાદ મુજબ 13 લોકો સાથે રૂ.79.80 લાખની ઠગાઈ કરવામાં આવી છે. મામલો બહાર આવતા ઓફિસ સંચાલક અને તેનો ભાગીદાર ફરાર થઈ ગયા, જ્યારે ફરાર થવાની તૈયારીમાં રહેલી સંચાલકની પત્નીને લોકો દ્વારા ઝડપી પોલીસને સોંપવામાં આવી હતી.

પહેલા સર્બિયા, પછી UK... વાયદાઓ બદલાતા ગયા

પેટલાદ તાલુકાના સુણાવ ખાતે રહેતા કુંદનબેન યોગેશભાઈ પટેલ વિદેશ જવા ઇચ્છતા હોવાથી સોશિયલ મીડિયા પર ક્રિશ્ના ઓવરસીઝ કન્સલ્ટન્સીની જાહેરાત જોઈ હતી. ઓફિસમાં હાર્દિક હસમુખ શાહ અને તેની પત્ની અંકિતા શાહનો સંપર્ક કર્યા બાદ સર્બિયા જવા માટે રકમ ભરાવવામાં આવી હતી.

4 લાખ પડાવી લેવાયા

બાદમાં રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સર્બિયાનું કામ નહીં થાય તેમ કહી UKના વિઝિટર વિઝા માટે રૂ.14 લાખનો ખર્ચ થશે તેમ જણાવાયું હતું. રૂ.4 લાખ લીધા બાદ પણ વિદેશ મોકલવામાં ન આવતા પૈસા પરત માંગવામાં આવ્યા હતા.

ઓફિસને તાળું માર્યું, ત્યારે શંકા વધુ ઘેરી બની

પૈસા પરત મેળવવા કન્સલ્ટન્સીની ઓફિસે ધક્કા ખાતા અન્ય લોકો સાથે પણ ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ હાર્દિક શાહ અને તેનો ભાગીદાર નંદકુમાર ઉકાણી ઓફિસને તાળું મારી ફરાર થઈ ગયા હતા.

અંકિતા શાહ ઝડપાઇ ગઇ 

દરમિયાન અંકિતા શાહ પણ મકાનમાંથી સામાન પેક કરીને ફરાર થવાની તૈયારીમાં હોવાની જાણ થતાં ઠગાઈનો ભોગ બનેલા લોકોએ તેને ઝડપી પોલીસ મથકે પહોંચાડી હતી.

Anand Overseas Consultancy Fraud, 79.80 Lakh Scam

નકલી વિઝા અને નોટરી કરારથી કેવી રીતે વિશ્વાસ જીત્યો?

પોલીસ તપાસમાં ઠગાઈનો ભોગ બનેલા લોકોને વિશ્વાસમાં લેવા માટે હાર્દિક શાહે આપેલા યુરોપના વિઝા નકલી હોવાનું સામે આવ્યું હોવાનું જણાવાયું છે. બીજી તરફ ભાગીદાર નંદકુમાર ઉકાણીએ કેટલાક લોકો સાથે નોટરી કરાર પણ કરી આપ્યા હતા. આણંદ ટાઉન પોલીસે હાર્દિક શાહ, અંકિતા શાહ અને નંદકુમાર ઉકાણી વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

79.80 લાખથી વાત હવે 4 કરોડને પાર?

દરમિયાન વિદેશ જવાના નામે છેતરાયેલા વધુ લોકો પણ આણંદ ટાઉન પોલીસ મથકે પહોંચ્યા છે. વધુ ફરિયાદો સામે આવતાં ત્રણેય આરોપીઓએ રૂ.4 કરોડથી વધુનું ફુલેકું ફેરવ્યું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. હવે પોલીસની તપાસમાં ઠગાઈનો સાચો આંકડો કેટલો બહાર આવે છે તેના પર સૌની નજર છે.  


આ પણ વાંચો :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું