calendar_todaySeptember 30, 2026
Anand News: ઉમરેઠમાં સીસી રોડના કામમાં વ્યાપક ગેરરીતિના આક્ષેપ, નગરપાલિકાએ એજન્સીને ફટકારી નોટિસ!
આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં વિકાસના કામોને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. ઉમરેઠમાં પ્રેમાનંદ હોલથી ભગવાનવગા રામદેવપીર મંદિર સુધી બનાવવામાં આવી રહેલા સીસી રોડ (RCC Road) ના કામમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે, જેના કારણે સ્થાનિક સ્તરે ભારે ખળભળાટ મચી ગયો છે.
W.B.M. મટિરિયલના બદલે અન્ય સામગ્રી વાપરવાની ફરિયાદ
સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, રોડના નિર્માણમાં નક્કી કરવામાં આવેલા નિયમો મુજબ W.B.M. (વેટ મિક્સ મેકાડમ) મટિરિયલ વાપરવાના બદલે અન્ય નબળી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેન્ડરની શરતોના ખુલ્લેઆમ ભંગના આક્ષેપો થતાં સીસી રોડની ગુણવત્તા અને ટકાઉપણું સામે ગંભીર સવાલો ખડા થયા છે.

ટેકનિકલ ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ અને એજન્સીને નોટિસ
નાગરિકોની ફરિયાદ અને રજૂઆતને ગંભીરતાથી લઈને તંત્ર હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક ધોરણે ટેકનિકલ ટીમે ઘટના સ્થળે પહોંચીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ મામલે ઉમરેઠ નગરપાલિકા દ્વારા સંબંધિત એજન્સીને કડક નોટિસ ફટકારવામાં આવી છે, અને આગામી 3 દિવસની અંદર આ અંગે લેખિત ખુલાસો રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

સંતોષકારક જવાબ નહીં મળે તો બ્લેકલિસ્ટ કરવાની ચીમકી
ઉમરેઠ નગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો એજન્સી તરફથી સમયસર અને સંતોષકારક ખુલાસો આપવામાં નહીં આવે, તો કામ અટકાવી દેવા તેમજ એજન્સીને કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરવા સહિતના સખત પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો: Anand News: 2026માં પણ 1998માં જીવે છે લોકો, ડિજીટલ યુગ વચ્ચે વાળંદાપુરા ગામમાં 'નો' નેટવર્ક