calendar_todayMay 12, 2026
Anand News: 100 ફૂટ રોડ પર ડમ્પરનો કહેર, મોર્નિંગ વોકમાં નીકળેલા 75 વર્ષીય વૃદ્ધાનું કચડાઈ જવાથી મોત
આણંદના અત્યંત વ્યસ્ત ગણાતા 100 ફૂટ રોડ પર દેસાઈ કોર્નર સામે આજે સવારે કાળમુખા ડમ્પરે રસ્તે ચાલતા વૃદ્ધાને અડફેટે લીધા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ઇલાબેન દિનેશભાઈ પટેલ (ઉં.વ. 75) નામના વૃદ્ધા સવારના સમયે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરના તોતિંગ વ્હીલ વૃદ્ધાના માથાના ભાગે ફરી વળ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇલાબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પરિવારમાં આક્રંદ અને પુત્રનો કરુણ વિલાપ
અકસ્માતની જાણ થતા જ મૃતક વૃદ્ધાના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોતાની માતાનો લોહીલુહાણ મૃતદેહ જોઈને પુત્રએ ઘટનાસ્થળે જ ભારે આક્રંદ કર્યો હતો, જેનાથી ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. ડમ્પરચાલકની બેદરકારીએ એક વડીલની છત્રછાયા છીનવી લેતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.
લોકોમાં ભારે રોષ અને પોલીસ કાર્યવાહી
100 ફૂટ રોડ પર બેફામ દોડતા ભારે વાહનો અને ડમ્પરોને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ આણંદ ટાઉન પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. રહેણાંક વિસ્તારોમાં ભારે વાહનોની ગતિ પર અંકુશ લાવવાની માંગ ફરી એકવાર પ્રબળ બની છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો