calendar_todayMarch 30, 2026
Anand News : આજે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે, 6 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરાશે
ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.આ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ આજે 30 મી માર્ચને સોમવારે વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ થશે, જેના પગલે ચૂંટણીને લઈ ચહલપહલ પણ વધશે.આ પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તા.6 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.એટલે હવે રાજકીય પાર્ટીઓમાં પણ ચૂંટણીમાં ઝંપલાવવા માટે અંતિમ તબક્કાની બેઠકોનો દોર શરૂ થશે અને આગામી તા.23મી એપ્રિલને રોજ યોજાનાર મતદાન પોતાના પક્ષમાં કેવી રીતે કરવું તે અંગે રણનીતિ પણ ઘડાશે.
6 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરાશે
આજે ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. 6 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરાશે. 7 એપ્રિલે ફોર્મની ચકાસણી કરાશે. 9 એપ્રિલે ફોર્મ પરત લેવાનો અંતિમ દિવસ છે. 23 એપ્રિલે મતદાન યોજાશે. જ્યારે ચોથી મેના રોજ મતગણતરી હાથ ધરાશે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમરેઠ અને આણંદ મળીને કુલ બે તાલુકાની કુલ 49ગ્રામ પંચાયત અને ત્રણ નગરપાલિકાનો સમાવેશ થાય છે.મતદાન સુધારણા કાર્યક્રમ બાદ આ પહેલી ચૂંટણી યોજાવા જઈ રહી છે.
19 નોડલ અધિકારીઓ પણ નિમાયા
હાલ તો ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.જે પૈકી ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી જે.એસ,પટેલની નિમણૂક કરાઈ છે અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ઉમરેઠના મામલતદાર એન.પી.પારેખ અને આણંદ ગ્રામ્ય મામલતદાર વી.કે.ગોહિલની મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 19 નોડલ અધિકારીઓ પણ નિમાયા છે.