calendar_todayMay 4, 2026
Ankleshwar News: પેટ્રોલના પૈસા ન આપવા પડે તે માટે કાર ચાલકે કર્મચારીને કચડવાનો કર્યો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ
ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર આવેલ એક પેટ્રોલ પંપ પર માનવતા નેવે મૂકતી ઘટના સામે આવી છે. એક કાર ચાલકે પોતાની ગાડીમાં રૂ. 3285નું પેટ્રોલ ભરાવ્યું હતું, પરંતુ જ્યારે પૈસા ચૂકવવાનો વારો આવ્યો ત્યારે તેણે પેમેન્ટ કરવાને બદલે ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પંપ પરના સતર્ક કર્મચારીએ તેને રોકવાની કોશિશ કરી, ત્યારે ચાલકે નિર્દયતાપૂર્વક કાર તેની પર ચઢાવી દઈ તેને કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના રૂવાડા ઊભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
પૈસા માંગતા જ ચાલકે કાર દોડાવી
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પેટ્રોલ ભરાવ્યા બાદ જેવો કર્મચારી પૈસા માંગે છે, કે તરત જ ચાલક ફૂલ સ્પીડમાં કાર હંકારી મૂકે છે. કર્મચારી કારને અટકાવવા માટે બોનેટ પાસે જાય છે તેમ છતાં ચાલક ગાડી ઉભી રાખવાને બદલે તેને અડફેટે લઈને ભાગી છૂટે છે. સદનસીબે આ ઘટનામાં કર્મચારીનો આબાદ બચાવ થયો છે કે કેમ તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે, પરંતુ ચાલકની આ જોખમી હરકતથી પંપ પર હાજર અન્ય લોકોમાં પણ ફાળ પડી હતી.
બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
આ મામલે પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારના નંબર મેળવી ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાઈવે પર બનેલી આ લૂંટ જેવી ઘટના અને હત્યાના પ્રયાસને પોલીસે ગંભીરતાથી લીધી છે અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ હાઈવે પરના પેટ્રોલ પંપ કર્મચારીઓની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો