calendar_todayOctober 10, 2026
Aravalli બચાવો ઝુંબેશ તેજ, ગેરકાયદે ખનન રોકવા ભિલોડા અને બનાસકાંઠામાં સુપ્રીમ કોર્ટની કમિટી ત્રાટકી!
પ્રાકૃતિક ધરોહર સમાન અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કમિટી દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાં તપાસ બાદ હવે કમિટી દ્વારા ભિલોડા પંથકમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. અરવલ્લીના પર્વતોને નુકસાન પહોંચાડતી ગેરકાયદે માઇનિંગ પ્રવૃત્તિઓની ફરિયાદોના આધારે આ સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નવી માઇનિંગ લીઝ પર રોક યથાવત
પ્રાપ્ત વિગતો અનુસાર, કમિટીની ટીમ દ્વારા ભિલોડા વિસ્તારના કુડોલ, પાલ તેમજ આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં રૂબરૂ જઈને ગેરકાયદે ખનન સંદર્ભે સ્થળ તપાસ કરવામાં આવી છે. અરવલ્લી પર્વતમાળાના અસ્તિત્વને બચાવવા માટે સુપ્રીમ કોર્ટના કડક આદેશો બાદ સમગ્ર રાજ્યમાં નવી માઇનિંગ લીઝ ફાળવવા પર રોક હજુ પણ યથાવત રાખવામાં આવી છે. કમિટી દ્વારા ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ઉત્ખનનના પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે.
2 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં થશે આગામી સુનાવણી
અરવલ્લી પર્વતમાળામાં થતા ગેરકાયદે ખનન મામલે સ્થળ તપાસ પૂર્ણ કર્યા બાદ કમિટી આગામી 30 નવેમ્બર સુધીમાં સુપ્રીમ કોર્ટમાં પોતાનો વિસ્તૃત અહેવાલ (Report) રજૂ કરશે. આ અહેવાલના આધારે આગામી 2 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં આ મામલે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આ કડક વલણથી અરવલ્લીના પર્યાવરણ પ્રેમીઓમાં આશાનું કિરણ જાગ્યું છે અને ગેરકાયદે ખનન કરતા તત્વો સામે કાયદાનો ગાળિયો વધુ કસ્માઈ ગયો છે.
આ પણ વાંચો : Weather Update : ગરમી સહન કરવા રહેજો તૈયાર, રાજ્યમાં તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચશે, હવામાન વિભાગની મોટી આગાહી!