calendar_todayMarch 30, 2026
Aravalli: શામળાજી-હિંમતનગર હાઇવે પર દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, LCB એ 77.22 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવી છે. શામળાજી-હિંમતનગર હાઇવે પર દાવલી ગામની સીમમાં વોચ ગોઠવીને પોલીસે એક શંકાસ્પદ કન્ટેનરને અટકાવ્યું હતું, જેમાંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.
કાપડના રોલની આડમાં ગુપ્ત ખાના
બુટલેગરોએ દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે અનોખી તરકીબ અપનાવી હતી. કન્ટેનરમાં ઉપરના ભાગે કાપડના રોલ ભરવામાં આવ્યા હતા જેથી કોઈને શંકા ન જાય. પરંતુ પોલીસે જ્યારે ઝીણવટભરી તપાસ કરી ત્યારે કન્ટેનરની અંદર બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની કુલ 28,028 બોટલો મળી આવી હતી.
કુલ ₹92.32 લાખનો મુદ્દામાલ જપ્ત
અરવલ્લી LCB એ આ કામગીરી દરમિયાન ₹77.22 લાખની કિંમતનો દારૂ, કન્ટેનર અને મોબાઈલ સહિત કુલ ₹92,32,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે રાજસ્થાનના ડ્રાઈવરની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો.