android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Aravalliમાં બિશ્નોઈ ગેંગ અને પોલીસ વચ્ચે દિલધડક ઘર્ષણ: પોશડોડા ભરેલી સ્કોર્પિયો પર SOGનું ફાયરિંગ

calendar_todaySeptember 22, 2026

Aravalliમાં બિશ્નોઈ ગેંગ અને પોલીસ વચ્ચે દિલધડક ઘર્ષણ: પોશડોડા ભરેલી સ્કોર્પિયો પર SOGનું ફાયરિંગ

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીણોલ ગામ નજીક પોલીસ અને બિશ્નોઈ ગેંગના તત્વો વચ્ચે એક અત્યંત દિલધડક ઘટના સામે આવી છે. પોશડોડા (અફીણના ડોડા) જેવા નશીલા પદાર્થનો મોટો જથ્થો લઈને પસાર થઈ રહેલી બિશ્નોઈ ગેંગની સ્કોર્પિયો કારને રોકવાનો પ્રયાસ કરતાં જ આરોપીઓએ પોલીસ ટીમ પર પિસ્તોલ તાકીને જીવલેણ હુમલો કરવાની કોશિશ કરી હતી. પોલીસ ટીમે પોતાની આત્મરક્ષા અને સ્વબચાવમાં તાત્કાલિક વળતો જવાબ આપતાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

બચાવમાં એસઓજી પોલીસનું 2 રાઉન્ડ ફાયરિંગ 

ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે એસઓજી (SOG) પોલીસે ધનસુરાના શીણોલ પાસે નાકાબંધી કરીને વોચ ગોઠવી હતી. શંકાસ્પદ સ્કોર્પિયો કાર આવતાં તેને ઘેરવાનો પ્રયાસ કરાતાં જ અંદર સવાર બિશ્નોઈ ગેંગના શખ્સોએ પિસ્તોલ કાઢીને પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પણ ત્વરિત સાહસ બતાવીને બે રાઉન્ડ વળતું ફાયરિંગ કર્યું હતું. આ દિલધડક ઓપરેશન દરમિયાન દોડધામનો લાભ ઉઠાવીને બિશ્નોઈ ગેંગના બે ખતરનાક આરોપીઓ ઘટનાસ્થળેથી અંધારામાં ફરાર થઈ ગયા હતા.

SOG and Bishnoi gang face to face in Aravalli

જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે પહોંચ્યા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા પોલીસ વડા (SP) મનોહરસિંહ જાડેજા તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે સ્કોર્પિયો કાર અને તેમાં રહેલો પોશડોડાનો જથ્થો કબજે કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર થઈ ગયેલા બંને આરોપીઓને વહેલી તકે પકડી પાડવા માટે સમગ્ર જિલ્લાની સરહદો સીલ કરી કડક નાકાબંધી અને સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો