calendar_todayApril 1, 2026
Ashok Kharat વિરૂદ્ધ 100થી વધુ ફરિયાદ, 10 FIR દાખલ, કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો
પોતાને ગોડમેન ગણાવનારા અશોક ખરાતની વિરૂદ્ધ દુષ્કર્મના કેસ મામલે કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. કોર્ટે અશોક ખરાતને 14 એપ્રિલ સુધી જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે, હવે તેને નાસિક રોડ સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે.
સમગ્ર મામલે SIT દ્વારા તપાસ શરૂ
તમને જણાવી દઈએ કે અશોક ખરાતની 18 માર્ચે તે સમયે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 35 વર્ષીય એક મહિલાએ તેની પર સતત 3 વર્ષ સુધી દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો હતો. ધરપકડ બાદ તેની વિરૂદ્ધ ઘણી અન્ય મહિલાઓએ પણ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ દાખલ કરાવી હતી. હાલમાં આ સમગ્ર મામલે તપાસ SIT દ્વારા કરવામાં આવી રહી છે.
લગભગ 10 FIR દાખલ કરવામાં આવી ચૂકી છે
બુધવારે પોલીસ કસ્ટડી ખતમ થયા બાદ અશોક ખરાતને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો, જ્યાં SITએ તેની ન્યાયિક કસ્ટડીની માગ કરી. કોર્ટે આ માગનો સ્વીકાર કરતા તેને જેલમાં મોકલી દીધો. મળતી માહિતી મુજબ અશોક ખરાતને ગુરૂવારે એક અન્ય કેસમાં પણ કોર્ટમાં હાજર કરવામાં આવશે. અત્યાર સુધી નાસિકના સરકારવાડા પોલીસ સ્ટેશનમાં તેની વિરૂદ્ધ લગભગ 10 FIR દાખલ કરવામાં આવી ચૂકી છે, જેમાંથી 8 યૌન શોષણ અને દુષ્કર્મ સાથે જોડાયેલી છે. જ્યારે બે કેસ છેતરપિંડીના છે. આ સિવાય SITને ફોન દ્વારા 100થી વધુ ફરિયાદ પણ મળી છે, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન બુધવારે SITની ટીમને ખરાતના પુત્ર હર્ષવર્ધન ખરાતને કર્મયોગી નગર સ્થિત તેમના આવાસ પર પુછપરછ કરવા માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો. જો કે મોડી રાત્રે તેને છોડી દેવામાં આવ્યો, ત્યારે તપાસ એજન્સીઓ તેમની પત્ની કલ્પના ખરાતની શોધખોળ કરી રહી છે, જેનું નામ અહિલ્યાનગર જિલ્લામાં દાખલ એક છેતરપિંડીના કેસમાં સામે આવ્યું છે.
20 ફૂટ લાંબો રિમોટ કંટ્રોલથી ચાલતો સાપ પણ જપ્ત
અશોક ખરાત નાસિકના સિન્નર ક્ષેત્રમાં એક મંદિર ટ્રસ્ટનું સંચાલન કરતા હતો અને વર્ષોથી ઘણી રાજકીય હસ્તીઓ પણ તેના સંપર્કમાં રહી છે. ગયા અઠવાડિયે SIT અને ફોરેન્સિક ટીમે તેના કાર્યાલય પર રેડ કરીને ઘણા દસ્તાવેજ, ફાઈલો અને અન્ય મહત્વના પુરાવા જપ્ત કર્યા હતા.
ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે તેના કાર્યાલયમાંથી 20 ફૂટ લાંબો રિમોટ કંટ્રોલથી ચાલતો સાપ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપ છે કે ખરાત આ નકલી સાપનો ઉપયોગ લોકોને એ વિશ્વાસ અપાવવા માટે કરતો હતો કે તેની પાસે અલૌકિક શક્તિઓ છે અને તે જીવતા સાપને પણ નિયંત્રિત કરી શકે છે. હાલમાં આ સમગ્ર કેસની તપાસ ચાલુ છે અને SIT અન્ય પીડિતો અને વધુ પુરાવા એકત્ર કરવામાં લાગી છે.
આ પણ વાંચો : Jammu Border Tension: Pakistanએ ભારતીય સેનાના ડ્રોન પર કર્યુ ફયરિંગ, સરહદ પર ફરી વધ્યો તણાવ