android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Assam Assembly Election 2026: બાંગ્લાદેશીઓ પાસેથી જમીન પરત લાવીશું, UCC લાવીશું.. આસામમાં BJPનો ચૂંટણી ઢંઢેરો જાહેર

calendar_todayMarch 31, 2026

Assam Assembly Election 2026: બાંગ્લાદેશીઓ પાસેથી જમીન પરત લાવીશું, UCC લાવીશું.. આસામમાં BJPનો ચૂંટણી ઢંઢેરો જાહેર

આસામમાં આગામી વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો (સંકલ્પ પત્ર) સત્તાવાર રીતે બહાર પાડ્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઘોષણાપત્રમાં આસામના સર્વાંગી વિકાસ અને સાંસ્કૃતિક સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે.

મુખ્ય વચનો અને રણનીતિ

ભાજપે આ વખતે ૩૧ મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. જેમાં સૌથી મહત્વનો મુદ્દો સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાનો અને બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા કબજે કરાયેલી જમીનોને મુક્ત કરાવી મૂળ નિવાસીઓને પરત સોંપવાનો છે. આ ઉપરાંત, રાજ્યના પાયાના માળખાકીય વિકાસ માટે ₹૫ લાખ કરોડના જંગી રોકાણની ખાતરી આપવામાં આવી છે, જેનો હેતુ આસામના આર્થિક ગ્રાફને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે.

વિકાસ અને સ્થિરતા પર ભાર

દસ્તાવેજ રજૂ કરતા નાણાં મંત્રી સીતારમણે જણાવ્યું હતું કે, આસામમાં શાંતિ અને પ્રગતિ માટે સ્થિર શાસન અનિવાર્ય છે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જે કામ કોંગ્રેસ ૬૦ વર્ષમાં નથી કરી શકી, તે ભાજપે છેલ્લા એક દાયકામાં કરી બતાવ્યું છે. તેમની નીતિઓને કારણે આસામના યુવાનો જે બહાર રોજગાર માટે જતા હતા, તેઓ હવે સ્વદેશ પરત ફરી રહ્યા છે. વધુમાં, સુરક્ષાની દ્રષ્ટિએ ભાજપે AFSPA જેવા કડક કાયદાને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી હટાવવામાં સફળતા મેળવી છે, જે શાંતિનું પ્રતીક છે.

પક્ષનો નહી જનતાનો અવાજ છે આ- સર્બાનંદ સોનોવાલે 

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે માહિતી આપી હતી કે આ 'સંકલ્પ પત્ર' માત્ર પક્ષનો દસ્તાવેજ નથી, પરંતુ આસામની જનતાનો અવાજ છે. પક્ષના કાર્યકરોએ ઘરે-ઘરે જઈને આશરે ૩ લાખથી વધુ લોકોના સૂચનો મેળવ્યા હતા અને તેના આધારે જ આગામી પાંચ વર્ષનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

ક્યારે છે આસામમાં ચૂંટણી ? 

આસામની કુલ 126  બેઠકો માટે 9 એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન થશે અને તેનું પરિણામ  મેના રોજ જાહેર કરવામાં આવશે. ભાજપ આ ચૂંટણીમાં 'સ્થિરતા અને વારસાનું રક્ષણ' એવા બેવડા એજન્ડા સાથે મેદાનમાં ઉતરી રહ્યું છે.


આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?