android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha : ડીસામાં 25મીએ રબારી સમાજનું ઐતિહાસિક મહાસંમેલન, નવા સામાજિક બંધારણનું અમલીકરણ કરાશે

calendar_todayJanuary 22, 2026

Banaskantha : ડીસામાં 25મીએ રબારી સમાજનું ઐતિહાસિક મહાસંમેલન, નવા સામાજિક બંધારણનું અમલીકરણ કરાશે

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં રબારી સમાજ દ્વારા સામાજિક સુધારણા માટે એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. આગામી 25 જાન્યુઆરીના રોજ ડીસા ખાતે રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલન અંગે પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી નેતા ગોવાભાઈ રબારીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, આ દિવસે સમાજના નવા સામાજિક બંધારણનું અમલીકરણ કરવામાં આવશે.

50 હજારથી વધુ સમાજના લોકો ઉમટશે

ગોવાભાઈ રબારીના જણાવ્યા મુજબ, આ સંમેલનમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ સહિત પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી 50 હજારથી વધુ સમાજના લોકો ઉમટી પડશે. આ નવા બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવાનો છે. અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ નિયમોના પાલનથી સમાજના વાર્ષિક ₹100 કરોડની બચત થશે. આ બચતની રકમનો ઉપયોગ સમાજની નવી પેઢીના શિક્ષણ પાછળ કરવામાં આવશે, જેથી રબારી સમાજ શૈક્ષણિક રીતે વધુ સક્ષમ બને.

ધનિક અને ગરીબ વચ્ચેનો ભેદભાવ ઘટશે

બંધારણની જરૂરિયાત સમજાવતા તેમણે ઉમેર્યું કે, વર્તમાન સમયમાં દેખાદેખીને કારણે આર્થિક રીતે સધ્ધર લોકો વધુ ખર્ચ કરતા હતા, જેની હરોળમાં સામાન્ય પરિવારો આવી શકતા નહોતા. આ નવી વ્યવસ્થાથી 'એક સમાજ, એક રિવાજ' અમલી બનશે, જેનાથી ધનિક અને ગરીબ વચ્ચેનો ભેદભાવ ઘટશે.

સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરવા માટેનો એક પ્રયાસ

ગોવાભાઈએ સ્પષ્ટ કર્યું કે આ કોઈ શક્તિ પ્રદર્શન કે જાતિવાદ નથી, પરંતુ વડાપ્રધાન મોદીના સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરવા માટેનો એક પ્રયાસ છે. આ બંધારણમાં કોઈ કઠોર નિયમો નથી, પરંતુ સમાજની પ્રગતિ થાય અને આર્થિક પરિવર્તન આવે તેવા વ્યવહારુ નિયમો તૈયાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Ahmedabad: બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર, 3 માળનું મકાન તોડી પડાયું