android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha : 3.80 કરોડના ખર્ચે અઠવાડિયા પહેલાં જ નવા બનેલા રસ્તાના પોપડા ઉખડવા માંડ્યા, રસ્તા નિર્માણમાં ભ્રષ્ટાચારની ગંધ

calendar_todayFebruary 21, 2026

Banaskantha : 3.80 કરોડના ખર્ચે અઠવાડિયા પહેલાં જ નવા બનેલા રસ્તાના પોપડા ઉખડવા માંડ્યા, રસ્તા નિર્માણમાં ભ્રષ્ટાચારની ગંધ

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ગોબરી રોડથી જગાણા ગામને જોડતા રૂપિયા 3.80 કરોડના ખર્ચ નવા બનેલા રોડમાં ભ્રષ્ટાચારની ગંધ આવી છે. નવો રોડ બનીને તૈયાર તો થઈ ગયો પરંતુ એક સપ્તાહમાં જ રોડની સાઈડો તૂટવા લાગી છે. રૂ 3.80 કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલા આ રોડની સાઈડોમાં પગ મૂકો તો કાંકરીઓ વિખેરાતા આ રોડ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે...

 માર્ગનું કામ હજુ એક સપ્તાહ પહેલા જ જિલ્લા પંચાયતના આરએન્ડબી વિભાગ દ્વારા પૂર્ણ થયું

 પાલનપુરના ગોબરી રોડ થી જગાણા ને જોડતા માર્ગનું કામ હજુ એક સપ્તાહ પહેલા જ જિલ્લા પંચાયતના આરએન્ડબી વિભાગ દ્વારા પૂર્ણ થયું છે.પરંતુ કામની ગુણવત્તા એટલી હલકી છે કે રોડ બન્યાના એક સપ્તાહમાં જ તેના પોપડા ઉખડવા લાગ્યા છે. અંદાજે રૂ.3.80 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ રોડની સ્થિતિ શું છે તે જાણવા સંદેશ ન્યુઝ આ માર્ગ પર પહોંચ્યું તો આ નવા બનેલા રોડની સાઈડોમાં પગ મુકતા જ રોડની કાંકરીઓ વિખેરાતી જોવા મળી.

 શું જવાબદાર કોન્ટ્રાક્ટર સામે તંત્ર કોઈ પગલા ભરે છે કે કેમ

જોકે આ રોડની કામગીરી પૂર્ણ થયા બાદ રોડ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા હતા. અને ભ્રષ્ટાચારની બુમો વચ્ચે હવે તંત્ર અને કોન્ટ્રાક્ટરની બંનેની કામગીરી શંકાના દાયરામાં છે. સવાલ એ ઉઠી રહ્યા છે કે શું સુપરવાઇઝિંગ કરનારા અધિકારીઓએ આ કામગીરી દરમિયાન આંખ આડા કાન કર્યા હતા કે શું. રૂ.3.80 કરોડ જેવી મોટી રકમ ખર્ચાયા બાદ પણ જો એક સપ્તાહમાં રોડ કાગળની જેમ તૂટી જતો હોય તો આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ થવી અનિવાર્ય છે. હવે જોવાનું એ રહે છે કે શું જવાબદાર કોન્ટ્રાક્ટર સામે તંત્ર કોઈ પગલા ભરે છે કે પછી ફરી એકવાર કાગળ પર કામ પૂર્ણ બતાવી ભ્રષ્ટાચાર પર પડદો પાડી દેવાય છે...

કાર્યપાલક ઈજનેરનો કોન્ટ્રાક્ટર અને પોતાના વિભાગનો લૂલો બચાવ

જો કે એક તરફ આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થઇ રહ્યા છે. તો બીજી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કોન્ટ્રાક્ટર અને પોતાના વિભાગનો લૂલો બચાવ કરતા કહી રહ્યા છે કે આ જે રોડ ઉખડી રહ્યો છે તે 10 મીટર છોડીને રોડ છે. તો શું કોન્ટ્રાક્ટરે ટેન્ડર પ્રમાણે જે 10 મીટરનો રોડ બનાવવાનો હતોતેનાથી મોટો રોડ બનાવ્યો...? અને એક તરફ કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે આ રોડ બન્યો તે બાદ તેનું ટેસ્ટિંગ પણ કરાયું અને ટેસ્ટિંગ માં પણ પાસ થયો છે. ત્યારે આ રોડનું ટેસ્ટિંગ કરનાર અધિકારીઓ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. અધિકારીએ છેલ્લે પોતાનો અને અન્ય અધિકારીઓને બચાવ કરતા કહી દીધું કે આ રોડ માટે 3 વર્ષનું મેન્ટનન્સ કોન્ટ્રાકટરે જ કરવાનું છે.


આ પણ વાંચો----    Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો