android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha: રાજસ્થાનથી અમદાવાદ આવતી લક્ઝરી બસમાં ભીષણ આગ, એકનું મોત અને 6 મુસાફરો ગંભીર રીતે દાઝ્યા

calendar_todayMarch 13, 2026

Banaskantha: રાજસ્થાનથી અમદાવાદ આવતી લક્ઝરી બસમાં ભીષણ આગ, એકનું મોત અને 6 મુસાફરો ગંભીર રીતે દાઝ્યા

ધાનેરા-નેનાવા બોર્ડર પાસે મોડી રાત્રે એક ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં આગ લાગવાની ભયાનક ઘટના સામે આવી છે. રાજસ્થાનથી અમદાવાદ તરફ આવી રહેલી આ બસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે મુસાફરોને જીવ બચાવવા માટે બારીઓ તોડીને કૂદવાની ફરજ પડી હતી. આ દુર્ઘટનામાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 6થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

ધાનેરા પાસે ખાનગી લક્ઝરી બસ સળગીને ખાખ

મળતી માહિતી મુજબ, રાજસ્થાનથી મુસાફરો ભરીને અમદાવાદ તરફ જતી ખાનગી સ્લીપર બસ ધાનેરાના નેનાવા ગામ પાસેથી પસાર થઈ રહી હતી. દરમિયાન, મોડી રાત્રે અચાનક બસના એસી (AC) વિભાગમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. થોડી જ વારમાં આગે સમગ્ર બસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. બસ અગનગોળામાં ફેરવાઈ જતાં મુસાફરોમાં અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી.

ચાલુ બસે લાગેલી આગમાં 6 મુસાફરો દાઝ્યા

ઘટનાની જાણ થતા જ ધાનેરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 108 એમ્બ્યુલન્સ અને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે દાઝેલા 6 મુસાફરોને તાત્કાલિક ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ધાનેરા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

શોર્ટ સર્કિટને કારણે સર્જાઈ મોટી દુર્ઘટના

આ ભયાનક ઘટનામાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જેના પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બસમાં લાગેલી આગ એટલી ગંભીર હતી કે બસના મોટાભાગના ભાગો બળીને રાખ થઈ ગયા છે. હાલમાં પોલીસ દ્વારા બસના ડ્રાઈવર અને અન્ય સાક્ષીઓની પૂછપરછ કરીને આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad: AMTS બસમાં અચાનક આગ ભભૂકી, બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ