calendar_todayFebruary 21, 2026
Banaskantha News: માલણ પાસે કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, 6.54 લાખનો મુદ્દામાલ જપ્ત
બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે એલસીબી પોલીસ એક્શન મોડમાં છે. પાલનપુર તાલુકા પોલીસ મથકની હદમાં આવતા માલણ ગામ નજીકથી પસાર થતી એક શંકાસ્પદ ડસ્ટર ગાડીને આંતરી પોલીસે તેમાંથી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી લીધી છે. પોલીસે મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડસ્ટર ગાડીમાંથી નીકળ્યો દારૂનો ખજાનો
ઘટનાની મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા એલસીબીની ટીમ પાલનપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક ડસ્ટર ગાડીમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે માલણ ગામ નજીક વોચ ગોઠવીને બાતમી મુજબની ડસ્ટર ગાડીને અટકાવી હતી. ગાડીની ઝડતી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાડીના ચોર ખાનાઓ અને સીટ નીચેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 376 બોટલો મળી આવી હતી.
રૂપિયા 6.54 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આ કામગીરી દરમિયાન દારૂની બોટલો, ડસ્ટર ગાડી અને અન્ય સાધનો મળી કુલ રૂપિયા 6,54,388/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ગાડીના ચાલકની અટકાયત કરી તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ ક્યાં પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બુટલેગરોમાં ફફડાટ
બનાસકાંઠા પોલીસ દ્વારા બોર્ડર અને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલનપુર તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.