android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bavla News: જ્વેલર્સમાં ખરીદીના બહાને આવેલી મહિલાએ રૂમાલની આડમાં રૂ.1.40 લાખની સોનાની વીંટી ચોરી

calendar_todayMay 2, 2026

Bavla News: જ્વેલર્સમાં ખરીદીના બહાને આવેલી મહિલાએ રૂમાલની આડમાં રૂ.1.40 લાખની સોનાની વીંટી ચોરી

અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલી મહિલાએ અત્યંત ચતુરાઈથી સોનાની વીંટીની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. બપોરના આશરે અઢી વાગ્યાના સુમારે બાવળાની જાણીતી R.A. પટેલ માર્કેટમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં આ ચોરીની ઘટના બની હતી. મહિલાએ સોનાની વીંટી જોતી વખતે નજર ચૂકવી અસલી વીંટી પચાવી પાડી હતી અને દુકાનદારને તેની જાણ સુધ્ધાં થવા દીધી નહોતી.

હાથચાલાકીથી અસલી વીંટી ગાયબ કરી 

ચોરીની પદ્ધતિ જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. મહિલાએ ઘરેણાં જોતી વખતે પોતાની પાસે રહેલા રૂમાલનો ઉપયોગ કર્યો હતો. તેણે રૂમાલની નીચે અસલી સોનાની વીંટી છૂપાવી દીધી હતી અને તેની જગ્યાએ દુકાનદારની નજર ચૂકવીને ટ્રેમાં ખોટી (નકલી) વીંટી મૂકી દીધી હતી. ચોરી થયેલી 9 ગ્રામ સોનાની આ વીંટીની બજાર કિંમત આશરે 1,40,000 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. મહિલા દુકાનમાંથી રવાના થયા બાદ જ્યારે ઘરેણાંની તપાસ કરવામાં આવી ત્યારે આ ચોરીનો પર્દાફાશ થયો હતો.

CCTV ફૂટેજમાં કેદ થઈ ચોરીની સમગ્ર કરતૂત

દુકાન માલિકે તરત જ સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કરતા તેમાં મહિલાની હાથચાલાકી સ્પષ્ટપણે ઝડપાઈ ગઈ હતી. ફૂટેજમાં જોઈ શકાય છે કે મહિલા કઈ રીતે રૂમાલની આડમાં સોનાની વીંટી સેરવી રહી છે. આ મામલે બાવળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણી મહિલાની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વેપારીઓમાં આ ઘટનાને પગલે ભારે જાગૃતિ રાખવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો