calendar_todayMarch 19, 2026
Bayad: 4 જળાશયમાંથી દૈનિક 70 MLD પાણીનો વપરાશ
અરવલ્લી જિલ્લામાં ગત ચોમાસામાં સારો વરસાદ થયા બાદ જળાશયોમાં પાણીની સ્થિતિ એકંદરે બહેતર છે. ત્યારે બીજી તરફ હવે ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તેની સાથે પીવાના પાણીની માંગ પણ વધી રહી છે. જેથી જિલ્લાના જળાશયોમાંથી પાણી પુરવઠા વિભાગ દ્વારા હાલમાં દૈનિક 70 એમએલડી કરતાં વધુ પાણીનો જથ્થો ઉપાડવામાં આવી રહ્યો હોવાનું સિંચાઇ વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, જિલ્લાના 352 ગામડાઓની 11,59,981 જેટલી વસ્તીને આ ચાર જળાશયોમાંથી પીવાનું પાણી પુરું પાડવામાં આવતું હોય છે.
દર વર્ષે ઉનાળામાં કાળઝાળ ગરમીના કારણે પીવાના પાણીની માંગમાં વધારો જોવા મળે છે. માર્ચ મહિનાનું પ્રથમ પખવાડિયું પસાર થઇ ગયું છે. ત્યારે ગરમી વધવાની સાથે પીવાના પાણીની ડિમાન્ડમાં વધારો જોવા મળ્યો છે. જિલ્લાના નાગરિકોને વાત્રક સહિત ચાર મોટા જળાશયોમાંથી પીવાના પાણીનો જથ્થો પુરો પાડવામાં આવે છે. આ જળાશયોમાંથી પાણી પુરવઠા વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ થકી પાણી પુરું પાડવામાં આવે છે. ઉનાળાના આગમન સાથે ગરમી વધતાં નદી, નાળાં, તળાવોના તળીયા દેખાવાની શરૂઆત થઇ ગઇ છે. પરંતુ ગત વર્ષે ચોમાસામાં જિલ્લામાં સારા વરસાદના પરિણામે જળાશયોમાં પાણીનો સંગ્રહ સારો થયેલો છે. પરંતુ હવે ઉનાળામાં જળાશયોમાંથી ઉપાડવામાં આવતા પાણીનો દૈનિક વપરાશ વધ્યો છે. દર વર્ષે જિલ્લાના વાત્રક, માઝુમ, હાથમતી તેમજ મેશ્વો જળાશયોમાંથી પીવાના પાણી માટે જથ્થો અનામત રાખવામાં આવે છે. આ જળાશયોમાંથી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની એસકે-2,3,4 યોજનાઓ મારફતે પાઈપલાઈન થકી ગામડાઓ, શહેરોમાં પીવાનું પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે. હાલમાં આ ચારેય જળાશયોમાંથી દૈનિક 77.616 એમએલડી (મિલીયન લિટર્સ પર ડે) પીવાના પાણીનો પુરવઠો જિલ્લાના ગામડાઓ, શહેરોમાં પહોંચતો કરવામાં આવી રહ્યો છે. જેમાં સૌથી વધુ વાત્રક ડેમમાંથી રોજનો 53 એમએલડી ઉપરાંતનો જથ્થો પુરો પાડવામાં આવી રહ્યો છે. સૌથી ઓછો હાથમતી જળાશયમાંથી 1.2 એમએલડી જથ્થો ઉપાડી નાગરિકોને પીવાનું પાણી પહોંચતું કરવામાં આવી રહ્યું હોવાનું સિંચાઇ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ જિલ્લાના જળાશયોમાં હાલમાં અપેક્ષા મુજબનો જળ જથ્થો સંગ્રહિત થયેલો છે. જેમાં લાંક જળાશયની આજની સપાટી 109.46 મીટર, વાત્રક ડેમ 134.40, માઝમ 155.98, મેશ્વો 212.05 જ્યારે વૈડી ડેમનું આજનું જળસ્તર 197.43 મીટર બતાવી રહ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam