calendar_todayApril 17, 2026
Bayad: બાયડમાં CMનું હેલિકોપ્ટર ખોટકાયું, સડકમાગરે કાફલો હિંમતનગર પહોંચ્યો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઇને જાહેરસભા અને પ્રચારના કાર્યક્રમોનાં આયોજનો શરૂ થયા છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી જાહેરસભા તેમજ અન્ય કાર્યક્રમોને લઇને અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે હેલિકોપ્ટર મારફતે આવ્યા હતા. કાર્યક્રમો પૂર્ણ કરી બપોરે પરત જવા નીકળ્યા ત્યારે હેલિકોપ્ટર કોઇ તકનીકી ખામીના કારણોસર ઉડાન ભરી શક્યું ન હતું. છેવટે સડકમાર્ગે મુખ્યમંત્રીને લઇને કાફલો સાબરકાંઠા તરફ રવાના થયો હતો. અરવલ્લી જિલ્લામાં આજે સાઠંબા અને બાયડમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના ચૂંટણી જાહેર સભા સહિતના કાર્યક્રમો હતા. પોલીસ સુત્રો મુજબ આજે સવારે 10 વાગ્યાની આસપાસ બાયડ-ધનસુરા હાઇવે પર અલવા ટોલ પ્લાઝા નજીક બનાવાયેલા હેલિપેડ પર મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર લેન્ડ થયું હતું. ત્યાર બાદ તેમણે સાઠંબા, હઠીપુરા અને બાયડ ખાતે કાર્યક્રમોમાં હાજરી આપી હતી. કાર્યક્રમો પૂર્ણ કરી બપોરે તેઓ પરત હેલિપેડના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ કોઇ તકનીકી કારણોસર હેલિકોપ્ટર ઉડાન ભરી શક્યું ન હતું. હેલિકોપ્ટરના પાયલટ સહિતના સ્ટાફે પ્રયાસો કરી જોયા હતા. સાબરકાંઠાના હિંમતનગર ખાતે મુખ્યમંત્રીનો નિર્ધારીત કાર્યક્રમ હોઇ છેવટે તેઓ સડકમાર્ગે જવા રવાના થયા હતા. ત્યાર પછી પ્રયાસો બાદ હેલિકોપ્ટરની તકનીકી ખામી દૂર કરવામાં આવી હતી અને લગભગ સાંજે 4:15 કલાક આસપાસ બાયડથી ઉડાન ભરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો