calendar_todayFebruary 15, 2026
BCA Election 2026: 2068 મતદારો નક્કી કરશે ભાવી, પૂર્વ ક્રિકેટરોએ પણ કર્યું ઉત્સાહભેર મતદાન
બરોડા ક્રિકેટ એસોસિયેશન (BCA) ના વહીવટ માટે આજે રવિવારે વડોદરામાં રસાકસી ભરી ચૂંટણી યોજાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ગરમાગરમ પ્રચાર બાદ આજે આખરે 'રોયલ સત્યમેવ જયતે ગ્રુપ' અને 'રિવાઇવલ 31 ગ્રુપ' આમને-સામને છે. 31 બેઠકો માટે કુલ 62 ઉમેદવારો મેદાનમાં છે, જેમના ભાગ્યનો ફેંસલો 2068 જેટલા મતદારો કરી રહ્યા છે.
ચુસ્ત બંદોબસ્ત અને સીસીટીવીની દેખરેખ
મતદાન મથક પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે મતદાન મથકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જ્યારે બહારની તરફ લાઈવ સ્ક્રીન મુકવામાં આવી છે. પોલીસ અને ખાનગી સિક્યુરિટીનો પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. મતદાન દરમિયાન બંને જૂથના સમર્થકોએ પ્લે-કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી માહોલ ગરમાવ્યો હતો.
કિરણ મોરેનું નિવેદન
રિવાઇવલ ગ્રુપના ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ જણાવ્યું હતું કે, મેમ્બર્સનો વિશ્વાસ જીતવો ખૂબ મહત્વનો છે. રિવાઇવલ ગ્રુપે છેલ્લા વર્ષોમાં જે માળખાકીય સુવિધાઓ ઊભી કરી છે તેનાથી લોકો વાકેફ છે. તેમણે વધુમાં ભારત-પાકિસ્તાન મેચ અંગે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે, ટી-20માં ભારતનો પલડું ભારે છે અને આજે ભારતની ચોક્કસ જીત થશે.
કોર્નર વિલિયમ્સનું નિવેદન
બીજી તરફ, પૂર્વ ક્રિકેટર કોર્નર વિલિયમ્સે પોતાનો મત આપતા જણાવ્યું હતું કે, BCAની ચૂંટણીમાં વોટ કરવો એ મારા માટે સૌભાગ્યની વાત છે. હું ઈચ્છું છું કે વડોદરાના ક્રિકેટનું સ્તર જે વર્ષો પહેલા હતું તે ફરી પરત આવે. તેમણે હાર્દિક પંડ્યાને 'વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડર' અને 'ઈમ્પેક્ટ પ્લેયર' ગણાવી ભારતની જીતની આશા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર, હાલ માત્ર મતદાન યોજાશે, પરંતુ મતગણતરી કે પરિણામ જાહેર કરવા માટે કોર્ટની પૂર્વ મંજૂરી મેળવવી પડશે.