calendar_todayApril 22, 2026
Bharuch: ભાડભૂત બેરેજ માટે જમીન સંપાદન 80% પૂર્ણ : ખેડૂતોને રૂા.400 કરોડ ચૂકવાયા
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના મહત્વકાંક્ષી ભાડભૂત બેરેજ પ્રોજેકટની કામગીરી વેગવંત બની છે. આ યોજના માત્ર જળસંગ્રહ નહી પરંતુ દક્ષિણ ગુજરાતના સામાજીક અને આર્થિક ઉત્થાન માટે સીમાચિહનરૂપ સાબિત થઈ છે. ભાડભૂત પ્રોજેકટના અમલીકરણથી દર વરસે અંદાજે રૂા.1000 કરોડથી રૂા.1200 કરોડનો આર્થિક ફાયદો થવાનો અંદાજ છે. જમીન સંપાદન માટે રાજય સરકારે સંપુર્ણ ખેડૂત કલ્યાણ અને કિસાન હિતલક્ષી અભિગમની નેમ રાખીને સંમતિ એવોર્ડ જાહેર કર્યો અને ખેડૂતોનું હીત ખરા અર્થમાં જાળવ્યુ છે.
અંકલેશ્વર તાલુકાના 6 ગામોમાંથી કુલ 819 હેકટર જમીનના સંપાદન માટે, ખેડૂત હિત સર્વોપરી ન્યાયે સરકારે ખેડૂતોની સંમતિથી જમીન મેળવવા માટે, સંમતિ એવોર્ડ જાહેર કર્યો હતો. ખેતીલાયક જમીન સાથે ડુબાણ જમીનનું પણ વળતર મળતા અંદાજે 7000 થી વધુ આદિવાસી અને માછીમાર ખેડૂતોના જીવનમાં કાયાપલટ થઈ છે. કહેવાય છે ને કે જયારે યોગ્ય વળતર અને ખેડૂતોનું હિત મળે છે ત્યારે પરિવર્તન સાક્ષાત્કાર બને છે. અંકલેશ્વર તાલુકાના 6 ગામના ગરીબ ખેડૂતોને કરોડોનું વળતર પ્રાપ્ત થતા તેઓએ કાચા મકાનોને સ્થાને આધુનિક પાકા મકાનો બનાવી ઉન્નત જીવન શૈલી અપનાવી છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને પરિવહન જેવી પાયાની જરૂરિયાતો હવે તેમના માટે સુલભ બની છે જે તેમના આર્થિક અને સામાજીક સ્તરમાં આવેલા વ્યાપક સુધારાને સ્પષ્ટ પણે દર્શાવે છે. નોંધનીય છે કે, પ્રોજેકટ માટે જરૂરી કુલ જમીન પૈકી 80 ટકા એટલે કે 642 હેકટર જમીનનું સંપાદન પુર્ણ કરી લેવામાં આવ્યુ છે. રાજય સરકાર દ્વારા અત્યાર સુધી ખાતેદારોને લગભગ રૂા.400 કરોડની માતબર રકમ વળતર પેટે ચુકવવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો