calendar_todayJanuary 22, 2026
Bharuch News: પોલીસ ભરતી દરમિયાન 25 વર્ષીય યુવકનું મોત
ગુજરાતમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા વચ્ચે આજે ભરૂચથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન દોડ પૂરી કર્યા બાદ એક યુવકની તબિયત અચાનક લથડી હતી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ભરતી કેન્દ્ર પર શોકનું મોજું ફરી વળ્યું છે.
દોડ પૂરી કરી અને ઢળી પડ્યો
ઘટનાની મળતી માહિતી અનુસાર, મૂળ કચ્છના વતની 25 વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ દળમાં જોડાવાના સપના સાથે ભરૂચ ખાતે શારીરિક કસોટી આપવા આવ્યા હતા. રવિરાજે ઉત્સાહભેર દોડ પૂર્ણ કરી હતી, પરંતુ ગ્રાઉન્ડ પર દોડ પૂરી કર્યાના થોડા જ સમય બાદ તેને અચાનક ચક્કર આવ્યા હતા અને તેની તબિયત નાજુક બની હતી.
સારવાર કારગત ન નીવડી
યુવકની તબિયત લથડતા સ્થળ પર હાજર મેડિકલ ટીમે પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ રવિરાજ જાડેજાનું કરૂણ મોત નીપજ્યું હતું. મૃતદેહને હાલ પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા
ઘટનાની ગંભીરતાને જોતા ડીવાયએસપી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસ ભરતીના ઈન્ચાર્જ અને SRPના કમાન્ડર પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને મૃતક યુવાનના પરિવારજનોને સાંત્વના આપી હતી. ખાખી વર્દી પહેરવાનું સપનું આંખમાં લઈને આવેલો યુવાન જ્યારે ઘરે શબઘરમાં પરત ફરશે એ વિચારીને પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે.
આ પણ વાંચો - Bharuch News : ભરુચ પોલીસ હેડક્વાર્ટરમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરતા મચ્યો ખળભળાટ