calendar_todayJanuary 8, 2026
Bharuch News: રાંડ્યા પછીનું ડહાપણ, 5 લોકો ઘાયલ થયા બાદ ઢોર પકડવાનો આદેશ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ઐયપ્પા મંદિર નજીક એક વિફરેલા આખલાએ ભારે આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં મંદિરે દર્શન કરવા આવેલા એક દંપતી સહિત કુલ 5 લોકોને ઈજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આખરે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.
15 મિનિટ સુધી મચાવ્યો આતંક
ઘટનાની મળતી માહિતી અનુસાર, ગડખોલના ઐયપ્પા મંદિર નજીકથી પસાર થઈ રહેલા એક દંપતી પર આખલાએ અચાનક હુમલો કર્યો હતો. આખલાએ મહિલાને અડફેટે લેતા પતિ તેને બચાવવા વચ્ચે પડ્યો હતો, પરંતુ આખલાએ તેના પર પણ હુમલો કરી તેને બાનમાં લીધો હતો. આટલેથી ન અટકતા, આખલાએ ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓ પાછળ પણ દોટ મૂકી હતી. અંદાજે 15 મિનિટ સુધી આખલાએ રસ્તા પર આતંક મચાવ્યો હતો, જેમાં 5 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
વીડિયો વાયરલ થયા બાદ તંત્ર જાગ્યું
આ હુમલાના રૂંવાડા ઉભા કરી દે તેવા વીડિયો વાયરલ થતા જ તાલુકા વહીવટી તંત્રની આંખ ખુલી છે. અત્યાર સુધી રખડતા ઢોરના મુદ્દે મૌન સેવી રહેલા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે. રખડતા ઢોરના આતંકને રોકવા માટે સ્થાનિક સ્તરે કામગીરી તેજ કરવા સૂચના આપવામાં આવી છે.
તમામ ગ્રામ પંચાયતોને કડક આદેશ
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોને એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, પોતપોતાના વિસ્તારમાં રખડતા ઢોરને તાત્કાલિક ધોરણે પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરવી. જો આગામી દિવસોમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી જે-તે પંચાયતની રહેશે, તેવી તાકીદ પણ કરવામાં આવી છે.