calendar_todayMay 8, 2026
Bharuch News: અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા
ઉદ્યોગ નગરી અંકલેશ્વરની GIDCમાં આવેલી જાણીતી ફાર્મા કંપનીમાં બપોરના સમયે પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે. કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં થયેલા આ બ્લાસ્ટને કારણે ફેક્ટરી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો.
MPP-2 પ્લાન્ટમાં લોડિંગ સમયે સર્જાઈ દુર્ઘટના
ઘટનાની મળતી માહિતી અનુસાર, કેડિલા કંપનીના MPP-2 પ્લાન્ટમાં જ્યારે સોડિયમ કાર્બોનેટનું લોડિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે અચાનક કોઈ કારણોસર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, જોતજોતામાં પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ત્યાં કામ કરી રહેલા બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.
ઇજાગ્રસ્તોને વડોદરા રિફર કરાયા
ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા બંને શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત અત્યંત નાજુક હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા છે.
ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
આગ અને બ્લાસ્ટની જાણ થતા જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ (DISH) તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કંપનીમાં સુરક્ષાના સાધનો અને નિયમોનું પાલન થતું હતું કે, નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગ લાગવા પાછળના સચોટ કારણો જાણવા માટે એફએસએલ (FSL)ની પણ મદદ લીધી છે.
આ પણ વાંચો - Bharuch: ઝઘડિયામાં ટ્રકની અડફેટે શ્રમિક પરિવાર વેરવિખેર, 3 વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત