android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar News: બનાસ ડેરીના દૂધના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરી, 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

calendar_todayMarch 2, 2026

Bhavnagar News: બનાસ ડેરીના દૂધના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરી, 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવી રહ્યા છે, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલે તેમની આ યોજના પર પાણી ફેરવી દીધું છે. ભાવનગરના વરતેજ પાસે SMC ની ટીમ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન બનાસ ડેરીના માર્કવાળા દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.

બાડમેરથી ભાવનગર આવી રહ્યો હતો દારૂ

ઘટનાની મળતી માહિતી અનુસાર, આ દૂધનું ટેન્કર રાજસ્થાનના બાડમેરથી નીકળ્યું હતું અને ભાવનગર તરફ આવી રહ્યું હતું. પોલીસને શંકા ન જાય તે માટે બુટલેગરોએ દૂધના ટેન્કરનો સહારો લીધો હતો. જોકે, SMC ની ટીમે વોચ ગોઠવીને ટેન્કરને આંતર્યું હતું. ટેન્કરની તપાસ કરતા અંદરથી દૂધને બદલે વિદેશી દારૂની પેટીઓ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

78 લાખનો દારૂ અને કુલ 1 કરોડનો મુદ્દામાલ

પોલીસ દ્વારા ટેન્કરમાંથી આશરે 78 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરી લેવામાં આવ્યો છે. દારૂ, ટેન્કર અને અન્ય સામગ્રી મળીને પોલીસે કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે કે, આ દારૂનો જથ્થો ભાવનગરમાં કોને સપ્લાય કરવાનો હતો.

બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ

બનાસ ડેરીના ટેન્કરનો ઉપયોગ કરીને દારૂની હેરાફેરી કરવાના આ કૌભાંડે સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે. SMC ની આ સફળ કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં વરતેજ પોલીસ મથકે આ અંગે ગુનો નોંધવાની તજવીજ ચાલી રહી છે.


આ પણ વાંચો - Bhavnagar: યાર્ડમાં આજથી 7 દિવસનું મિની વેકેશન, હોળી-ધૂળેટીના તહેવારોને લઈ હરાજીના કામકાજ બંધ રહેશે