calendar_todayJanuary 20, 2026
Bhavnagar News: ખુદ પોલીસ કર્મી જ બન્યો સાયબર ફ્રોડનો શિકાર, મોબાઈલ હેક કરી ગઠિયાએ 1.10 લાખ ઉપાડી લીધા
ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો છાશવારે બહાર આવી રહ્યાં છે. સાયબર ક્રાઈમ સેલ દ્વારા આવા ફ્રોડ કેસની તપાસ કરે છે. ત્યારે ભાવનગર પોલીસનો એક કર્મચારી સાયબર ફ્રોડનો શિકાર બન્યો હોવાની ઘટના બહાર આવી છે. ગઠિયાએ પોલીસ કર્મીનો મોબાઈલ હેક કરી 1.10 લાખ રૂપિયા ઉપાડી લીધા હતાં. ભરતનગરમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાઈ છે.
કોન્સ્ટેબલનો મોબાઇલ હેક કરી 1.10 લાખ ઉપાડી લીધા
ભાવનગરમાં પોલીસ કર્મી જ સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે. ભાવનગર પોલીસ હેડ ક્વાટર્સમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયરાજસિંહ ખુમાણ સાથે સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. આજથી છ એક મહિના પહેલા ફરિયાદી પોલીસ કર્મીનો મોબાઈલ હેક કરીને 1.10 લાખ રૂપિયાની રકમ ઉપાડી લેવામાં આવી હતી. બિહારના માધીપુર જિલ્લાના છતાપુરના સચિનકમાર દાસ સામે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ પ્રમાણે ઘટનાના સમયે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર અરજી કરી હોવાથી તપાસ ચાલુ હતી અને એ કારણે ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે.