android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar News: કાંટાની વાડમાં આગ ભભૂકતા નાસભાગ, 11 KV ના વાયરો બળીને જમીનદોસ્ત

calendar_todayFebruary 15, 2026

Bhavnagar News: કાંટાની વાડમાં આગ ભભૂકતા નાસભાગ, 11 KV ના વાયરો બળીને જમીનદોસ્ત

ભાવનગર જિલ્લાના તળાજા હાઈવે પર આજે આગની લાગવાની ઘટના સામે આવી છે. તળાજા હાઈવે પર શેત્રુંજી નદીનો પુલ પસાર કરતા પાતીમાના પાટિયા પાસે આવેલી દેવીપૂજક પરિવારોની વસાહત નજીક અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ એટલી વિકરાળ હતી કે ઉપરથી પસાર થતા હાઈટેન્શન વીજ લાઈનના વાયરો બળીને નીચે ખાબક્યા હતા.

ઘટનાની વિગત અને નાસભાગ

ઘટનાની મળતી માહિતી અનુસાર, તળાજાથી શેત્રુંજી નદીનો પુલ પસાર કર્યા બાદ પ્રારંભ રિસોર્ટ પહેલા આવેલી દેવીપૂજક વસાહત પાસેની બાવળની કાંટમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. સૂકા લાકડા અને કાંટાની વાડ હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના સ્થળથી માત્ર 20 ફૂટના અંતરે રહેણાંક મકાનો હોવાથી રહીશોમાં જીવ બચાવવા દોડધામ મચી ગઈ હતી. વસાહતના લોકોએ પોતાના બાંધેલા દૂધાળા પશુઓને બચાવવા માટે તાત્કાલિક છોડી મૂક્યા હતા.

વીજ વાયરો તૂટતા સર્જાયું જોખમ

આગની ઝપેટમાં ભાલર ફીડરની 11 KV (કિલો વોલ્ટ) ની લાઈન આવી ગઈ હતી. ચાલુ વીજ પુરવઠા વચ્ચે વાયરો બળીને તીખારા સાથે જમીન પર પડતા ત્યાં હાજર લોકોમાં ફાળ પડી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અંગે ડેપ્યુટી કલેક્ટર સોલંકી, ફાયર વિભાગ અને વીજતંત્રને જાણ કરવામાં આવતા વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો, જેનાથી મોટી હોનારત ટળી હતી.

તંત્ર અને સેવાભાવીઓની કામગીરી

તળાજા ફાયર વિભાગની ટીમે સમયસર ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે આગ મકાનો સુધી પ્રસરી શકી ન હતી. હાઈવે પરથી પસાર થતા વેળાવદર ગામના પૂર્વ સરપંચ જગદીશભાઈ પાલીવાલ સહિતના સેવાભાવી લોકો પણ મદદે દોડી આવ્યા હતા. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ વીજતંત્ર દ્વારા નુકસાન પામેલા વાયરોનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.


આ પણ વાંચો - Bhavnagar : તળાજામાં વીજ ચેકિંગ ટીમની દાદાગીરી, મહિલાને માર્યાના આક્ષેપ