calendar_todayJanuary 5, 2026
Bhavnagar News: 200ના દરની 343 નકલી નોટો સાથે એક શખ્સ ઝડપાયો
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ નકલી ચલણી નોટો વટાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે બાતમીના આધારે રાજપરાના એક શખ્સને 200 રૂપિયાના દરની મોટી સંખ્યામાં બનાવટી નોટો સાથે દબોચી લીધો છે. ભાવનગર LCB ને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને રાજપરાના રહેવાસી અજય ઉર્ફે ઘુઘો બુધેલીયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની તલાશી લેતા તેની પાસેથી 200ના દરની 343 નંગ બનાવટી ચલણી નોટો મળી આવી હતી.
યુવક પાસેથી 200ના દરની 343 બનાવટી ચલણી નોટ જપ્ત
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી આ નકલી નોટો અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા એક શખ્સ પાસેથી મેળવીને લાવ્યો હતો. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, તે અસલી ચલણી નોટોની વચ્ચે આ નકલી નોટો ભેળવીને બજારમાં વટાવવાનો પ્લાન કરી રહ્યો હતો. ખાસ કરીને ભીડભાડ વાળી જગ્યાઓ અને નાના વેપારીઓ પાસે આ નોટો પધરાવી દેવાનો તેનો ઇરાદો હતો.
અસલી સાથે બનાવટી નોટ ભેળવી વટાવવાનો હતો પ્લાન
LCB ની ટીમે નકલી નોટો અને અન્ય સામાન મળીને કુલ રૂ.55,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ નેટવર્કના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાથી પોલીસ હવે નારોલના મુખ્ય સપ્લાયર સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ભાવનગરમાં નકલી નોટનું આ દૂષણ કેટલે અંશે ફેલાયેલું છે તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.