calendar_todayMay 12, 2026
Bhavnagar News: બે હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ જણા 51 હજારની લાંચ લેતા ઝડપાયા
ગારીયાધારના વેપારી સામે સાવરકુંડલાના વંડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે ગુનાના કામે હેડ કોન્સ્ટેબલે મોબાઈલ અને કાર કબજે ન લઈ અને માર ન મારવા પેટે 1.25 લાખની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે 51 હજાર આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ તેઓ લાંચ આપવા ન માંગતા હોય જેથી તેના મિત્ર મારફતે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરીયાદ આપતા વંડા પોલીસ મથક બહાર છટકુ ગોઠવાયુ હતું. જેમાં એક પ્રજાજન અને હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી લઈ અન્ય હેડ કોન્સ્ટેબલને વંડા પોલીસ મથકથી ઝડપી લીધો હતો.
મિત્ર મારફતે ફરીયાદ ACBમાં આવી
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગારીયાધારમાં રહેતા વેપારી વિરૂધ્ધમાં વંડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલો હોવાથી જેની તપાસ વંડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિજય મનસુખભાઈ મેર પાસે હતી. તેમણે વેપારી પાસે મોબાઈલ, કાર કબજે નહી કરવાના તેમજ ધંધો સારી રીતે ચલાવવા દેવા, માર નહી મારવા પેટે વિજય મેરે વચેટીયા અતુલ ચૌહાણ હસ્તક પ્રથમ 1.25 લાખની લાંચની માંગણી કરી હતી અને રકઝકના અંતે 51 હજાર આપવાનું નક્કી થયુ હતું. પરંતુ વેપારી લાંચની રકમ આપવા માંગતા ન હતા.જેને લઈ તેના મિત્ર મારફતે ફરીયાદ ACBમાં આવી હતી.
હેડ કોન્સ્ટેબલ વિજય મેરને ઝડપી પાડ્યો
ઉક્ત ફરીયાદને લઈ વંડા પોલીસ સ્ટેશનની સામે આવેલ ગોપીનાથ ઓઈલ મીલના ગેટ પાસે, જેસર-સાવરકુંડલા જાહેર રોડ પર છટકુ ગોઠવી ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોના મદદનીશ નિયામક એસ.એન. બારોટના સુપરવિઝન નીચે પી.આઈ ટી.એસ. રીઝવી સહિતનો સ્ટાફ ગોઠવાયો હતો અને ફરીયાદીને લાંચના નાણા આપવા મોકલતા વચેટીયા મયુર બાબુભાઇ ખુમાણએ વિજય મેર વતી હેતુલક્ષી વાતચીત કરી લાંચના 51 હજારનો સ્વિકાર કરી તે લાંચની રકમ મળી ગયા અંગે વિજય મેરને જાણ કરતા વંડા પોલીસ મથકના હેડ પોલીસ કોન્સ્ટેબલ છગન માવજીભાઈ ડાભી લાંચની રકમ લેવા આવી વચેટીયા પાસેથી સ્વિકાર કરતા બન્નેને ACBએ રંગેહાથ ઝડપી પાડયા હતા. જયારે હેડ કોન્સ્ટેબલ વિજય મેરને પોલીસ સ્ટેશનથી ઝડપી પાડયો હતો.