android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar News: સાવધાન! બેંક એકાઉન્ટ ભાડે આપવું પડ્યું ભારે, ઓડિશા CIDએ ગારીયાધારના બે યુવાનોને ઉઠાવ્યા

calendar_todayFebruary 1, 2026

Bhavnagar News: સાવધાન! બેંક એકાઉન્ટ ભાડે આપવું પડ્યું ભારે, ઓડિશા CIDએ ગારીયાધારના બે યુવાનોને ઉઠાવ્યા

ભાવનગરના ગારીયાધારમાં સાયબર ક્રાઈમના તાર છેક ઓડિશા સુધી જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. ઓડિશા રાજ્યની CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસની મદદથી સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બંને શખ્સોએ સાયબર માફિયાઓને પોતાના બેંક ખાતા ભાડે આપી ફ્રોડના નાણાં મેળવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

શું હતો સમગ્ર મામલો?

મૂળ ઓડિશાના એક વેપારી સાથે લાખો રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હતું. આ અંગે ઓડિશા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વેપારીના ખાતામાંથી ચોરાયેલા નાણાં ગુજરાતના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયા છે. આ કડીના આધારે ઓડિશા CIDની ટીમ ગારીયાધાર પહોંચી હતી.

આરોપીઓની ધરપકડ અને 'ભાડાના ખાતા'નું કૌભાંડ

પોલીસે ગારીયાધારથી મિલન ભૂપતભાઈ ગોયાણી અને વૈભવ જીતેન્દ્રભાઈ કોશીયા નામના બે શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓએ અમદાવાદના એક શખ્સને પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા. આ 'ભાડાના ખાતા'માં ફ્રોડના કુલ નવ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સાયબર ગુનેગારો પોલીસથી બચવા માટે સામાન્ય લોકોના ખાતાનો ઉપયોગ કરીને નાણાં સગેવગે કરતા હોય છે.

તપાસનો વ્યાપ વધવાની શક્યતા

ઓડિશા ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ માત્ર શરૂઆત છે. હજુ પણ તપાસ ચાલુ છે કે, આ સાયબર ગેંગ દ્વારા અન્ય કેટલા લોકોના ખાતા ભાડે લેવામાં આવ્યા છે, અને અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનું ફ્રોડ કરવામાં આવ્યું છે. અમદાવાદના જે શખ્સે આ ખાતા ભાડે રખાવ્યા હતા તેની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે. આગામી સમયમાં આ મામલે મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.


આ પણ વાંચો - Bhavnagar News: ડામર જેવા પદાર્થથી દાઝ્યો મજૂર, હાલત ગંભીર