calendar_todayJanuary 20, 2026
Bhavnagar News : ભાજપના જ ધારાસભ્યએ નમો જનસેવા કેન્દ્ર બંધ કરાવ્યુ હોવાનો આક્ષેપ, કાર્યકરો અને MLA વચ્ચે વિવાદ
ભાવનગરના વલ્લભીપુરમાં ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. ભાજપના ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટૂંડિયા દ્વારા નમો જનસેવા કેન્દ્ર બંધ કરાવાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વલ્લભીપુરમાં ભાજપના કાર્યકરો અને ધારાસભ્ય વચ્ચે વિવાદ સર્જાયો છે. કાર્યકરોનું કહેવું છે કે, જનસેવા કેન્દ્ર બંધ કરાવવા માટે દબાણ કરાવવામાં આવ્યું છે. બીજી તરફ લોકોમાં પણ ધારાસભ્ય સામે રોષ જોવા મળી રહ્યો છે.
વલ્લભીપુર તાલુકા ભાજપમાં ભડકો થયો
ભાવનગરના વલ્લભીપુરમાં થોડા મહિના પહેલા જ શરૂ થયેલું જનસેવા કેન્દ્ર ભાજપના ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયાએ બંધ કરાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધારાસભ્યનું મદદ કાર્યાલય હોવા છતાં નારાજ થયેલા કાર્યકરોએ ખોલેલું જનસેવા કેન્દ્ર બંધ કરાવવા પ્રદેશ ભાજપમાં ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ દબાણ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારી યોજનાઓના ફોર્મ સહિતના કામ આ કાર્યાલયમાં મફતમાં થતા હોવાથી તે બંધ થતાં લોકોમાં પણ ધારાસભ્ય પ્રત્યે રોષ ફેલાયો છે. ભાજપના ધારાસભ્ય એ જ વડાપ્રધાનના નામનું કાર્યાલય બંધ કરતા વલ્લભીપુર તાલુકા ભાજપમાં ભડકો થયો છે.