calendar_todayMarch 30, 2026
Bhuj: શહેરને ટ્રાફિકના ચક્રવ્યૂહમાંથી બહાર કાઢવા માસ્ટર પ્લાન તૈયાર, 21 કિમી લાંબા બાયપાસ માટે જમીન સંપાદન
ભુજ શહેરમાં સતત વધી રહેલા વાહનોના ભારણને ઘટાડવા અને શહેરને ટ્રાફિક મુક્ત કરવા માટે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. ભુજની આસપાસ 21 કિલોમીટર લાંબો નવો બાયપાસ માર્ગ બનાવવા માટેની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે.
જમીન સંપાદન માટે ₹114 લાખનો ખર્ચ
આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે અંદાજે 45 હેક્ટર જેટલી જમીન સંપાદિત કરવામાં આવનાર છે. જમીન સંપાદનની આ પ્રક્રિયા માટે તંત્ર દ્વારા ₹114.64 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવશે. આ જમીન સંપાદન બાદ રસ્તાના નિર્માણની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવશે.
કયા વિસ્તારોમાંથી પસાર થશે નવો માર્ગ?
ભુજને ફરતે તૈયાર થનારો આ નવો બાયપાસ માર્ગ શહેરના પ્રવેશદ્વાર ગણાતા ભુજોડી અને એશિયાના સૌથી ધનિક ગામ ગણાતા માધાપરમાંથી પસાર થશે. આ ઉપરાંત, આ માર્ગ સુખપર અને મીરજાપર ગામની સીમમાંથી પણ પસાર થશે, જેને કારણે હાઈવે પરથી આવતા ભારે વાહનોને ભુજ શહેરમાં પ્રવેશવાની જરૂર નહીં પડે અને તેઓ સીધા જ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે.
આ પણ વાંચો: Jetpur: કથાનો મંડપ હટાવતી વખતે સર્જાયો અકસ્માત, વીજ કરંટ લાગતા એક શ્રમિકનું કરુણ મોત