android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhuj News: રાયઘણપર ગામે મોડી રાત્રે બે જૂથો વચ્ચે હિંસક પથ્થરમારો, પોલીસ વાહનોમાં કરી તોડફોડ

calendar_todayMay 30, 2026

Bhuj News: રાયઘણપર ગામે મોડી રાત્રે બે જૂથો વચ્ચે હિંસક પથ્થરમારો, પોલીસ વાહનોમાં કરી તોડફોડ

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રાયઘણપર ગામે મોડી રાત્રે નજીવી બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો થતાં સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉશ્કેરાયેલા તોફાની તત્વોના ટોળાએ ગામમાં આતંક મચાવીને ભારે પથ્થરમારો કર્યો હતો, જેમાં 3થી 4 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ દોડી ગયેલી પોલીસ ટીમ પર પણ ટોળાએ પથ્થરમારો કરતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હતી.

માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ગામમાં શાંતિ સ્થાપવા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પહોંચેલી પોલીસ પર પણ હુમલાખોરોએ કોઈ પણ જાતના ડર વગર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ હુમલામાં પોલીસ વિભાગના 2થી 3 વાહનોના કાચ તૂટી ગયા હતા અને સરકારી મિલકતને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ મામલે સ્થાનિક માધાપર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે સરકારી કર્મચારી પર હુમલો અને રાયોટિંગ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી તેજ કરી છે.

23 નામજોગ આરોપીઓમાંથી 20ની અટકાયત

માધાપર પોલીસે આ હિંસક ઘટનામાં સંડોવાયેલા અંદાજે 30 લોકોના ટોળા સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ફરિયાદમાં ૨૩ તોફાની તત્વોના નામજોગ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. પોલીસે મોડી રાત્રે જ રાયઘણપર ગામમાં કોમ્બિંગ હાથ ધરીને અત્યાર સુધીમાં 20 જેટલા શખ્સોની અટકાયત કરી લીધી છે અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા શરૂ કર્યા છે. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો