android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bilimoraની બેંકમાં શોર્ટ સર્કિટથી મચી અફરાતફરી, ફાયર વિભાગે કાચ તોડી ગ્રાહકોને બચાવ્યા

calendar_todayMarch 13, 2026

Bilimoraની બેંકમાં શોર્ટ સર્કિટથી મચી અફરાતફરી, ફાયર વિભાગે કાચ તોડી ગ્રાહકોને બચાવ્યા

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં આવેલી જાણીતી ICICI બેંકમાં આજે અચાનક આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. બેંકના સર્વર રૂમમાં શોર્ટ સર્કિટ થવાને કારણે જોતજોતામાં આખા બિલ્ડિંગમાં કાળા ધુમાડાના ગોટા ફેલાઈ ગયા હતા. ધુમાડાને કારણે ગ્રાહકો અને કર્મચારીઓ ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા અને બેંકની અંદર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ બીલીમોરા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

શોર્ટ સર્કિટના કારણે ગ્રાહકોમાં દોડધામ

ફાયર વિભાગની તપાસમાં બહાર આવ્યું હતું કે બેંકમાં કોઈ ઇમરજન્સી એક્ઝિટ (બહાર નીકળવાનો રસ્તો) ઉપલબ્ધ ન હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ફાયરના જવાનોએ બેંકના કાચ તોડીને અંદર ફસાયેલા ગ્રાહકો અને કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જવાનોની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી. ધુમાડા પર કાબૂ મેળવ્યા બાદ ફાયર વિભાગે તપાસ હાથ ધરી હતી.

સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી

તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી હતી કે આટલી મોટી બેંક પાસે માન્ય ફાયર NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) પણ ન હતું. સુરક્ષાના નિયમોના સરેઆમ ભંગ બદલ બીલીમોરા નગરપાલિકાના ફાયર વિભાગે ICICI બેંકને કડક નોટિસ ફટકારી છે. બેંકમાં આગ ઓલવવાના પૂરતા સાધનો અને સુરક્ષાના માપદંડોના અભાવે ગ્રાહકોના જીવ જોખમમાં મુકાયા હોવાથી તંત્ર દ્વારા હવે કડક કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો