calendar_todayJanuary 8, 2026
Bilimora: અંબિકા નદી પર 50 કરોડના નવા મેજર બ્રિજના કામની મંજૂરી
એરુ ચાર રસ્તા હાંસાપોર અબ્રામા અમલસાડ બીલીમોરા રોડ ઉપર અંબિકા નદી પર બીલીમોરા શહેર અને ભાઠા ગામની વચ્ચે અંબિકા નદી ઉપર ૧૯૭૧-૭૨ માં બનેલ હયાત બ્રિજ આશરે ૪૦૦ મીટરનો આવેલ છે. સદર રસ્તાની ડામરની પહોળાઈ ૧૦ મીટર છે અને બ્રિજની બહારથી બહારની પડે માત્ર ૦૭ જ મીટર હોય પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે.અંબિકા નદીમાં દર વર્ષે ચોમાસામાં બે થી ત્રણ વાર પૂરની પરિસ્થિતિ સર્જાય છે. જેને ધ્યાને લઈ સરકારના માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર દ્વારા રૂ.૫૦ કરોડના નવા મેજર બ્રિજના કામને મંજૂર કરવામાં આવેલ છે.
પાઇલ ફાઉન્ડેશનનું કામ પ્રગતિ હેઠળ છે
સદર રસ્તો નવસારી શહેરને એરુ, અબ્રામા, હાંસાપોર, મંદિર, અમલસાડ, કોથા, માસા, સુલતાનપુર, કનેરા, પનાર, કૃષ્ણપુર વગેરે ગામોને બીલીમોરા શહેર થઈ વાઘરેચ ધોલાઈ થઈ વલસાડ જિલ્લાને જોડતો અતિ મહત્વનો કોસ્ટલ હાઇવે છે જેને કારણે સદર રસ્તા ઉપર ટ્રાફિકનું ભારણ ખૂબ જ રહે છે હાલમાં સાદર કામમાં કોફર ડેમ તેમજ પાઇલ ફાઉન્ડેશનનું કામ પ્રગતિ હેઠળ છે.સદર મેજર બ્રીજની કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગ પર વાહનવ્યવહાર વધુ સુગમ અને સલામત બનશે.
આવન-જાવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે
ખાસ કરીને વરસાદી મૌસમ દરમિયાન અંબિકા નદી પર થતી આવન-જાવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. આ પુલ દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ શહેરો અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે સારો સંપર્ક સ્થાપિત કરશે, જેના પરિણામે મુસાફરીનો સમય ઘટશે અને પરિવહન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ પ્રોજેક્ટથી એરુ, અબ્રામા, હાંસાપોર, મંદિર, અમલસાડ, કોથા, માસા, સુલતાનપુર, કનેરા, પનાર, કૃષ્ણપુર અને બિલીમોરા સહિત આસપાસના અનેક ગામોના નાગરિકો, ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરોને સીધો લાભ મળશે. તેમજ, ઉદ્યોગો અને કૃષિ ઉત્પાદનોના ઝડપી અને સરળ પરિવહનથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે.