calendar_todaySeptember 5, 2026
Bodeli: તાલુકાના સુપ્રસિદ્ધ ઝંડ હનુમાનધામ ખાતે મેળો યોજાયો
શ્રાવણ વદ નોમના શનિવારે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ શનિવાર હોવાથી જાંબુઘોડા નજીક બોડેલી તાલુકામાં આવેલા અતિપ્રસિદ્ધ યાત્રાધામ ઝંડ હનુમાન ખાતે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડયું હતું.
હનુમાન ભક્તો હાથમાં ધજા સાથે હનુમાન ચાલીસાના પાઠ તેમજ બજરંગબલી કી જયના નાદ કરતા પગપાળા ઝંડ તરફ્ જતા નજરે પડયા હતા. શ્રાવણ માસના અંતિમ શનિવારે દર વર્ષની પરંપરા મુજબ ઝંડ હનુમાન ખાતે ભવ્ય મેળો યોજાયો હતો, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. ઝંડ હનુમાનના મેળામાં જાંબુઘોડા, બોડેલી, ઘોઘંબા, પાવી જેતપુર, સંખેડા, હાલોલ સહિતના તાલુકાઓ ઉપરાંત પંચમહાલ, છોટાઉદેપુર અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. તેમજ નજીકના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પણ હનુમાન ભક્તો ઉમટયા હતા. ખાસ કરીને શનિની પનોતીથી પીડાતા લોકો ઝંડ હનુમાનજીના દર્શન માટે મોટી સંખ્યામાં આવતા હોવાનું જોવા મળ્યું હતું. અસામાજિક તત્વો પર નજર રાખવા અલગ-અલગ સ્થળોએ સુરક્ષાકર્મીઓને તૈનાત કરાયા હતા. મેળા સ્થળે ઠેર-ઠેર પોલીસ પોઇન્ટ ગોઠવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. વહીવટી તંત્ર દ્વારા ફાયર ફાઇટર, 108 એમ્બ્યુલન્સ, 112 સેવા, ક્રેન, જેસીબી સહિતના સાધનો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત મેળા સ્થળે વિવિધ સ્થળોએ આરોગ્યની ટીમો પણ તૈનાત કરાઈ હતી. મેળામાં જાંબુઘોડા, બોડેલી, કકરોલીયા, વડોદરા સહિતના વિસ્તારોના સેવાભાવી યુવાનો તેમજ પરોલીધામના મેલડી માતાના ભક્તો સહિત વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભક્તો માટે ભંડારા યોજાયા હતાં.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો