calendar_todaySeptember 21, 2026
Botad: કથિત 1 કરોડ તોડકાંડમાં તપાસ તેજ, પૂર્વ ભાજપ મહામંત્રી જગદીશ ચૌહાણના નિવેદન પર નજર
બોટાદમાં કથિત 1 કરોડના તોડકાંડને લઈને તપાસ તેજ બની છે. અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ બોટાદ સર્કિટ હાઉસ પહોંચ્યા છે અને સર્કિટ હાઉસના રૂમ નંબર 5માં સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
કથિત તોડકાંડનો પર્દાફાશ કરનાર પહોંચ્યા
કથિત તોડકાંડનો પર્દાફાશ કરનાર શહેર ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશ ચૌહાણ પણ નિવેદન આપવા માટે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. મીડિયા દ્વારા તેમને સમગ્ર મામલે સવાલો પૂછવામાં આવ્યા હતા, પરંતુ તેમણે હાલ કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.
જગદીશ ચૌહાણના નિવેદન પર નજર
જગદીશ ચૌહાણે નિવેદન આપ્યા બાદ જ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવાનું જણાવ્યું હોવાનું સામે આવ્યું છે. હવે તેઓ તપાસ અધિકારી સમક્ષ શું નિવેદન આપે છે તેના પર સૌની નજર છે.
મયુર જમોડને સાંજે બોલાવાયા
આ મામલે માંધાતા ગ્રુપના પ્રમુખ મયુર જમોડને પણ આજે સાંજે 5 વાગ્યે સર્કિટ હાઉસ ખાતે બોલાવવામાં આવ્યા હોવાની માહિતી છે. તપાસ દરમિયાન તેમના નિવેદન પણ લેવામાં આવી શકે છે.
કોળી યુવક સાથે 1 કરોડના તોડના આક્ષેપ
બોટાદમાં કોળી યુવક સાથે કથિત રીતે 1 કરોડનો તોડ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. જોકે, આક્ષેપોની સત્યતા અંગે હાલ તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.
તપાસ અમરેલી ડીવાયએસપીને સોંપાઈ
કથિત તોડકાંડને લઈને બોટાદ એસપીએ શરૂઆતમાં ડીવાયએસપી મહર્ષિ રાવલને તપાસ સોંપી હતી. ત્યારબાદ હવે આ મામલાની તપાસ અમરેલી ડિવાયએસપી ચિરાગ દેસાઈ કરી રહ્યા છે.
સંબંધિત વ્યક્તિઓના નિવેદન લેવાનું શરુ
તપાસ દરમિયાન સંબંધિત વ્યક્તિઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જગદીશ ચૌહાણનું નિવેદન આ મામલે મહત્વનું બની શકે છે. હવે તેમના નિવેદન બાદ તપાસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર નજર રહેશે.
તપાસ બાદ જ ખુલશે સમગ્ર હકીકત
1 કરોડના કથિત તોડકાંડના આક્ષેપોને લઈને હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. કોઈ વ્યક્તિ સામેના આક્ષેપો આ તબક્કે સાબિત થયેલા નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે જવાબદારી અને હકીકત સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : Ahmedabad: એક્ટિવાની ડેકી ખોલતાં જ ઉડી ગયા પોલીસના હોશ, અંદરથી નીકળ્યા 49 લાખ!