calendar_todaySeptember 7, 2026
Botadના કૃષ્ણસાગર તળાવમાંથી 21 વર્ષીય યુવક અને યુવતીના મૃતદેહ મળતા મચી ચકચાર
બોટાદ શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક કૃષ્ણસાગર તળાવમાંથી એક 21 વર્ષીય યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળાં તળાવ કિનારે ઉમટી પડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવકની ઓળખ બોટાદના 21 વર્ષીય ઇમરાનભાઈ આરિફભાઈ ધાનાણી તરીકે થઈ છે, જ્યારે મૃતક યુવતીની ઓળખ મૂળ પાવાગઢના અને હાલ સરવઈ પાટી ખાતે રહેતી 21 વર્ષીય રેણુકાબેન દિનેશભાઈ રાઠવા તરીકે કરવામાં આવી છે.
ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ અને કાયદાકીય કાર્યવાહી
તળાવમાં મૃતદેહ તરતા હોવાની જાણ થતાં જ બોટાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહમત બાદ બંને મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢીને સ્થાનિક પોલીસને સોંપ્યા હતા. આ બનાવ અંગે જાણ થતાં જ બોટાદ પોલીસ ટીમ તેમજ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
મોતનું કારણ જાણવા પોલીસ તપાસ
તેજ બંને મૃતકોની ઉંમર 21 વર્ષ હોય અને તેઓ એકબીજાના સંપર્કમાં હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવ પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ આત્મહત્યા છે કે અન્ય કોઈ બનાવ, તે અંગે પોલીસ હાલ તમામ દિશામાં તપાસ ચલાવી રહી છે. પોલીસ દ્વારા બંને મૃતદેહને પંચનામું કરીને ચોક્કસ કારણ જાણવા માટે બોટાદની સિવિલ સોનાવાલા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.