android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Botadના ગઢડામાં રખડતા ઢોરનો કહેર: ઉગામેડી પાસે આખલાની ટક્કરે બાઈક સવાર 32 વર્ષીય યુવાનનું કમકમાટીભર્યું મોત

calendar_todayMay 4, 2026

Botadના ગઢડામાં રખડતા ઢોરનો કહેર: ઉગામેડી પાસે આખલાની ટક્કરે બાઈક સવાર 32 વર્ષીય યુવાનનું કમકમાટીભર્યું મોત

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામ પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગઢડાથી શાકભાજીની ખરીદી કરીને બાઈક પર પરત ફરી રહેલા એક યુવક સાથે અચાનક આખલો અથડાતા જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક ચાલક યુવક રોડ પર પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

મૃતક યુવક ખેતીકામ અર્થે ઉગામેડીમાં રહેતો હતો

આ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવકની ઓળખ ૩૨ વર્ષીય સુનીલભાઈ કરશનભાઈ પરમાર તરીકે થઈ છે. મૃતક સુનીલભાઈ મૂળ બોટાદના પાણવી ગામના વતની હતા, પરંતુ તેઓ ઉગામેડી ગામે ભાગમાં જમીન રાખીને ખેતીકામ કરતા હોવાથી હાલ ત્યાં જ રહેતા હતા. યુવાન પુત્રના અકાળે અવસાનથી પરમાર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પાણવી તેમજ ઉગામેડી પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી

બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી મૃતક સુનીલભાઈના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. રખડતા ઢોરને કારણે સર્જાયેલા આ અકસ્માતે ફરી એકવાર વાહનચાલકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. પોલીસે અકસ્માત અંગેની પ્રાથમિક વિગતો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો