calendar_todayMarch 3, 2026
Botad: સાળંગપુર કષ્ટભંજન દેવના દ્વારે કેસરીયો રંગોત્સવ, 500 કલર બ્લાસ્ટ અને નાસિક ઢોલના નાદ સાથે અદભુત ઉજવણી
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે વર્ષનો સૌથી મોટો અને ભવ્ય રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો. દાદાના સાનિધ્યમાં હોળી-ધૂળેટીના પર્વને યાદગાર બનાવવા માટે મંદિર વહીવટી તંત્ર અને સંતો દ્વારા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
ભવ્ય આરતી અને રંગોની વર્ષા
ઉત્સવની શરૂઆત હનુમાનજી દાદાની ભવ્ય આરતીથી કરવામાં આવી હતી. આરતી બાદ મંદિરના પ્રાંગણમાં રંગોત્સવનો પ્રારંભ થયો હતો. સંતો દ્વારા ખાસ તૈયાર કરાયેલા 51 હજાર કિલો ઓર્ગેનિક રંગોનો એર પ્રેશર મશીનો દ્વારા ભક્તો પર છંટકાવ કરવામાં આવ્યો હતો. આકાશમાં ઉડતા અબીલ-ગુલાલને કારણે સમગ્ર સાળંગપુર નગરી રંગીન બની ગઈ હતી.
હાઈટેક આતશબાજી અને બ્લાસ્ટ
આ વર્ષનો રંગોત્સવ ટેકનોલોજી અને પરંપરાનો અદભુત સંગમ હતો. ઉત્સવ દરમિયાન70 થી 80 ફૂટ ઊંચા 500 કલર બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. 100 રિબિન બ્લાસ્ટ અને આકાશમાં રંગીન ફાયરવર્ક્સના નજારા જોવા મળ્યા હતા. હવામાં એકસાથે 10 હજાર ફુગ્ગા છોડીને વાતાવરણને ઉત્સવમય બનાવી દેવાયું હતું.
નાસિક ઢોલના તાલે ભક્તોની રમઝટ
રંગોત્સવના આ માહોલમાં નાસિક ઢોલના ધબકારે ઢોલીઓએ ધૂમ મચાવી હતી. ઢોલના તાલે હજારો ભક્તો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. ભક્તોના ચહેરા પર છવાયેલા રંગો અને 'જય કષ્ટભંજન દેવ'ના નાદથી મંદિર પરિસર ગાજી ઉઠ્યું હતું. સંતોએ પણ એર પ્રેશર ગન વડે દૂર-દૂર સુધી ઉભેલા ભક્તો સુધી રંગો પહોંચાડી સૌને દાદાના ભક્તિના રંગે રંગ્યા હતા.