calendar_todayNovember 10, 2026
Botad News: ગઢડામાં બે જૂથ વચ્ચે મારામારી, હથિયારોથી કરેલા હુમલામાં બે મહિલા સહિત છ લોકો ઘાયલ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા માલપરા ગામે એક જ કોમના બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ સર્જાઈ હતી. જૂની બાબતની દાઝ રાખીને બંને પક્ષો હિંસક રીતે સામસામે આવી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ જૂથ અથડામણમાં બે મહિલાઓ સહિત કુલ છ લોકોને ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો.
ગામમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો
ગઢડા પંથકના માલપરા ગામે એક જ કોમના બે જૂથો વચ્ચે અગાઉ થયેલી બોલાચાલીને લઈને ભારે મનદુઃખ ચાલતું હતું.આ જૂની તકરારની દાઝ રાખીને અચાનક બંને પક્ષો લાકડીઓ,લોખંડના પાઈપ અને તીક્ષ્ણ હથિયારો સાથે આમનેસામને આવી ગયા હતા અને જોતજોતામાં મામલો અત્યંત ઉગ્ર બની ગયો હતો.ઉશ્કેરાયેલા લોકોએ સામસામે ઘાતક હુમલો કરી દેતાં ગામમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.મારામારી દરમિયાન શેરીમાં પડેલા બાઈકમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી તેમજ ઘરમાં રહેલા ટીવી સહિતની ઘરવખરીની વસ્તુઓમાં પણ વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
કુલ 6 વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી
આ ઘર્ષણમાં બંને જૂથના બે મહિલાઓ સહિત કુલ 6 વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.હથિયારોના ઘા વાગવાથી ઈજાગ્રસ્તો લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.જે પૈકી બે વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હોવાથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાકીદે અમરેલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.બંને પક્ષે થયેલી આ જૂથ અથડામણને પગલે પંથકમાં ભારે ચકચાર અને ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.
પ્રાથમિક કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું
આ લોહીયાળ અથડામણ પાછળનું પ્રાથમિક કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે.દોઢ માસ પહેલાં રખડતા પશુઓને મામલે બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી,જેની મનમાં દાઝ રાખીને આ જૂથ અથડામણ થઈ હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગામમાં પહોંચીને મામલો શાંત પાડ્યો હતો અને સમગ્ર ઘટના અંગે ગુનો નોંધવાની તજવીજ સાથે આગળની કાયદેસરની સઘન તપાસ હાથ ધરી છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.
આ પણ વાંચોઃ Ahmedabad News : નવા વર્ષની ઉજવણી વચ્ચે લોહિયાળ કાંડ, કાગડાપીઠમાં યુવકની તીક્ષ્ણ હથિયારે હત્યા