calendar_todayMarch 16, 2026
Botad News: ચોરી કરતી ગેંગના 9 આરોપીઓ ઝડપાયા, ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો
બોટાદ જિલ્લામાં ચોરીની ઘટનાઓને અંજામ આપતી ગેંગનો બોટાદ એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે અલગ-અલગ સ્થળોએ ચોરી કરતી ગેંગના કુલ 11 સભ્યોમાંથી 9 આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે હજુ બે આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેમની શોધખોળ ચાલુ છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ બંધ ફેક્ટરીઓ, અવાવરુ જગ્યાઓ તેમજ ખુલ્લી જગ્યાઓમાં રહેલી ઈલેક્ટ્રિક મોટર સહિતની કિંમતી વસ્તુઓને ટાર્ગેટ બનાવી ચોરી કરતી હતી.
પોલીસે ત્રણ ચોરીના ગુનાઓ ઉકેલી કાઢ્યા
બોટાદ એલસીબી પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 12 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ઝડપાયેલા આરોપીઓમાં કેટલાક રીઢા ગુનેગારો પણ સામેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેમની સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે.હાલ સુધી પોલીસે ત્રણ ચોરીના ગુનાઓ ઉકેલી કાઢ્યા છે.
ચોરી કર્યા બાદ માલ ભંગારમાં વેચી દેતા
પોલીસનું માનવું છે કે આરોપીઓની પૂછપરછ દરમિયાન આગામી દિવસોમાં 10થી વધુ ચોરીના ગુનાઓનો પણ ભેદ ઉકેલાઈ શકે છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગના ઝડપાયેલા તમામ આરોપીઓ બોટાદ જિલ્લાના જ રહેવાસી છે. હાલ ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે.આરોપીઓ પકડાઈ ના જવાય તે માટે ચોરી કર્યા બાદ માલ ભંગારમાં વેચી દેતા હતા.