calendar_todaySeptember 15, 2026
Botad Rain Update: બરવાળા પંથકમાં સતત ચોથા દિવસે જામ્યો મેઘાવી માહોલ!
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા પંથકમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ચોમાસાની ઋતુ વચ્ચે સતત ચોથા દિવસે પણ સમગ્ર પંથકના વાતાવરણમાં વરસાદી છાયા જોવા મળી રહી છે. ગત મોડી રાત્રિથી આશરે 14 કલાક જેટલા લાંબા વિરામ બાદ આજે બપોર પછી ફરી એકવાર આકાશમાં કાળાડિબંગ વાદળો ઘેરાયા હતા અને મેઘરાજાએ પંથકમાં પુનઃ પધરામણી કરી હતી.
બરવાળા શહેરના મુખ્ય વિસ્તારોમાં ઝરમર ઝાપટાં
બરવાળા શહેરમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં શરદપૂર્ણ આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના ખારા વિસ્તાર, ખોડીયાર નગર, રોકડિયા હનુમાનજી, મહાદેવ પાર્ક, બસ સ્ટેન્ડ, વાગડીયા શેરી, છત્રી ચોક અને શાક માર્કેટ સહિતના તમામ મુખ્ય અને ધમધમતા શહેરી વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદના પગલે માર્ગો પરથી પાણી વહેતા થયા હતા.

ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં આનંદ
કેવળ બરવાળા શહેર જ નહીં પરંતુ તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ખમીદાણા, રોજીદ, રામપરા અને કુંડળ સહિતના ગામોમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડતાં ખેતરોમાં ઊભેલા પાકને નવું જીવન મળ્યું છે. સતત ચોથા દિવસે પણ મેઘમહેર જળવાઈ રહેતાં સ્થાનિક રહીશો અને ખાસ કરીને ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.