android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bullet Train: મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન, જાણો રુટ અને ક્યારે શરૂ થશે

calendar_todaySeptember 8, 2026

Bullet Train: મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન, જાણો રુટ અને ક્યારે શરૂ થશે

India’s first Bullet Train:મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગયો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે જણાવ્યું કે પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ખાસ વાત એ છે કે ટેસ્ટિંગ માટેનો પ્રથમ બુલેટ ટ્રેન કોચ તૈયાર થઈ ગયો છે. મે 2027માં દેશની પાટા પર બુલેટ ટ્રેનનું ટ્રાયલ શરૂ થવાની શક્યતા છે.

‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સ્વદેશી હાઇ-સ્પીડ ટ્રેન

બુલેટ ટ્રેન માટે ભારત માત્ર વિદેશી ટેક્નોલોજી પર નિર્ભર નથી. ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત દેશ પોતાની હાઇ-સ્પીડ ટ્રેન પણ વિકસાવી રહ્યો છે. ભારતની પ્રથમ સ્વદેશી હાઇ-સ્પીડ ટ્રેનને ‘B-28’ કોડનેમ આપવામાં આવ્યું છે. ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા તેનો કોન્ટ્રાક્ટ BEML લિમિટેડને આપવામાં આવ્યો છે. આ ટ્રેનને આગળના ટેક્નિકલ કાર્ય માટે પણ મોકલવામાં આવી છે.

મુંબઈ-અમદાવાદનું અંતર માત્ર 2 કલાકમાં

હાલ મુંબઈથી અમદાવાદ વચ્ચેની 508 કિલોમીટરની મુસાફરીમાં લગભગ 6થી 8 કલાકનો સમય લાગે છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ સમય ઘટીને આશરે 2 કલાક થઈ જશે. ટ્રેનને 250થી 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવાની યોજના છે. જ્યારે ટ્રેકને ભવિષ્યમાં 350 કિલોમીટર પ્રતિ કલાકની ડિઝાઇન સ્પીડને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યો છે.

સૌપ્રથમ સુરત-બિલીમોરા રૂટ પર દોડશે

બુલેટ ટ્રેન સેવા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. સૌપ્રથમ સુરતથી બિલીમોરા વચ્ચેના વિભાગમાં ટ્રેન દોડાવવાની યોજના છે. વાપી-સુરત સેક્શનનું સિવિલ કન્સ્ટ્રક્શન ડિસેમ્બર 2026 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. સમગ્ર કોરિડોર પર ઓગસ્ટ 2027 સુધીમાં હાઇ-સ્પીડ રેલ સેવા શરૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

12 આધુનિક સ્ટેશનોનું નિર્માણ

મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી પસાર થશે. સમગ્ર માર્ગ પર કુલ 12 આધુનિક સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. તેમાં મુંબઈનું બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે અહીં દેશનું પ્રથમ અંડરગ્રાઉન્ડ બુલેટ ટ્રેન સ્ટેશન બની રહ્યું છે.

સ્થાનિક સંસ્કૃતિની ઝલક જોવા મળશે

આ રૂટ પર ઠાણે, વિરાર, બોઇસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ અને અમદાવાદ સહિતના સ્ટેશનોનો સમાવેશ થાય છે અને અંતે ટ્રેન સાબરમતી પહોંચશે. દરેક સ્ટેશનની ડિઝાઇનમાં સ્થાનિક સંસ્કૃતિ અને વારસાની ઝલક જોવા મળશે. મુસાફરોને આધુનિક સુવિધાઓ ઉપરાંત અન્ય પરિવહન વ્યવસ્થાઓ સાથે સારી કનેક્ટિવિટી પણ મળશે.

2017માં પ્રોજેક્ટનો પાયો નંખાયો હતો

ભારતમાં હાઇ-સ્પીડ રેલ નેટવર્કની શરૂઆત માટે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2017માં કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટનો હેતુ માત્ર મુસાફરીનો સમય ઘટાડવાનો નથી, પરંતુ મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આરામદાયક પરિવહનનો અનુભવ આપવાનો પણ છે.

આર્થિક વિકાસને પણ મળશે વેગ

સરકારના મતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. સાથે જ રૂટ આસપાસના વિસ્તારોમાં વેપાર, રોજગાર અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળી શકે છે. રેલવે મંત્રીની તાજેતરની સમીક્ષા બાદ પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Bullet Train બનાવશે આ ભારતીય કંપની, 866 કરોડનું છે બજેટ