android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bus Accident: આંધ્રપ્રદેશમાં બસમાં લાગી ભંયકર આગ, 10 લોકોના મોત

calendar_todayMarch 26, 2026

Bus Accident: આંધ્રપ્રદેશમાં બસમાં લાગી ભંયકર આગ, 10 લોકોના મોત

આંધ્રપ્રદેશના માર્કપુરમ જિલ્લામાં એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં માનવતા કાંપી ઉઠે તેવી દ્રશ્યો સર્જાયા હતા. રાયવરમ નજીક એક ખાનગી લક્ઝરી બસ અને કાંકરી ભરેલા ટિપર ટ્રક વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 10 મુસાફરો બહાર નીકળી શક્યા ન હતા અને આગની જ્વાળાઓમાં જીવતા ભૂંજાયા હતા.

બસ હૈદરાબાદથી પામુર જઇ રહી હતી

મળતી માહિતી મુજબ, 'હરિકૃષ્ણ' નામની ખાનગી ટ્રાવેલ્સની બસ અંદાજે 40 મુસાફરોને લઈને હૈદરાબાદથી પામુર તરફ જઈ રહી હતી. જ્યારે બસ રાયવરમ નજીક લાકડાની ખાણ પાસે પહોંચી, ત્યારે સામેથી આવતા અને કાંકરી ભરેલા એક ટિપર ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી અને ગણતરીની મિનિટોમાં જ બન્ને વાહનોમાં ભીષણ આગ લાગી ગઈ હતી.

ઘટનામાં આખી બસ બળીને ખાખ થઇ ગઇ

અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે મુસાફરોને બહાર કાઢવા અશક્ય બની ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને ફાયર ફાઈટરની ટીમો સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે રાખ થઈ ગઈ હતી.

ઘટનામાં 10 લોકોના કમકમાટી ભર્યા નીપજ્યા મોત

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. આશરે 20 જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા છે, જ્યારે અન્ય 12 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ, કેટલાક મુસાફરોની હાલત અત્યંત ગંભીર હોવાથી મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે.
મૃતકો કાનિગિરી અને પામુર વિસ્તારના રહેવાસી
પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વાહનોની વધુ પડતી ઝડપ હોવાનું મનાઈ રહ્યું છે. મૃતકોમાં મોટાભાગના લોકો કાનિગિરી અને પામુર વિસ્તારના રહેવાસી હોવાનું ઓળખાયું છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.