android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chanasma: તિથીની અસમંજસ વચ્ચે સોમવારે પણ અખાત્રીજની ઉજવણી કરવામાં આવી

calendar_todayApril 21, 2026

Chanasma: તિથીની અસમંજસ વચ્ચે સોમવારે પણ અખાત્રીજની ઉજવણી કરવામાં આવી

ચાણસ્મા સહિત પંથકમાં પવિત્ર અખાત્રીજના દિવસે ખેડૂતોએ પરંપરાગત હળોતરા વિધિ દ્વારા નવા કૃષિ વર્ષની શરૂઆત કરી હતી. વહેલી સવારથી જ ખેડૂતોએ ઉત્સાહભેર ખેતીના સાધનો સાથે ખેતરોમાં પહોંચી ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી હતી.આ પ્રસંગે ઉગમણી દિશામાં બળદ તેમજ ટ્રેક્ટરને કંકુ તિલક કરી ધરતી માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. અખાત્રીજને વણજોયું શુભ મુહૂર્ત માનવામાં આવતું હોવાથી ખેડૂતોએ ખેતીના સાધનોની પૂજા કરી આવનારા પાક માટે સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. પરંપરાગત રીતે હળ અને બળદની પૂજા થતી હોવા છતાં આધુનિક યુગમાં ખેડૂતોએ ટ્રેક્ટરને પણ પૂજામાં સામેલ કરી પરંપરા અને ટેકનોલોજીનો સુંદર સમન્વય દર્શાવ્યો હતો. ખેડૂત પરિવારોની દીકરીઓના હસ્તે પૂજાવિધિ કરવામાં આવી હતી, જેમાં બળદ અને ટ્રેક્ટરને ચાંદલા કરીને લાલ નાડાછડી બાંધી અને શ્રીફ્ળ અર્પણ કરવામાં આવ્યું હતું. ધરતી માતાને સ્વસ્તિક દોરી આરતી ઉતારી બાદ ગોળ અને ધાણા વહેંચીને પ્રસંગને આનંદમય બનાવાયો હતો. પરંપરા મુજબ દરેક ખેડૂત દ્વારા સાત ધાન વાવી મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડૂત ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આવતું કૃષિ વર્ષ સમૃદ્ધિભર્યું રહે અને સારો પાક મળે તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. કાર્યક્રમમાં લાલજીદાસ લક્ષ્મીદાસ પટેલ સદવ્રત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત ગામના વડીલો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી આ પવિત્ર વિધિ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો