calendar_todaySeptember 7, 2026
Chennai : એન્જિનમાં ટેક્નિકલ ખામી બાદ Malaysia Airlines ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 186 મુસાફરો સુરક્ષિત
કુઆલાલંપુરથી જેદ્દા જઈ રહેલી Malaysia Airlinesની ફ્લાઇટ MH 156માં એન્જિન સંબંધિત ટેક્નિકલ ખામી સર્જાતા સોમવારે ફ્લાઇટને ચેન્નાઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
એન્જિન નંબર 2માં સામે આવી ખામી
અધિકારીઓના જણાવ્યા મુજબ ફ્લાઇટના એન્જિન નંબર 2 સાથે સંબંધિત ટેક્નિકલ સમસ્યા સામે આવી હતી. ફ્લાઇટમાં કુલ 186 લોકો સવાર હતા. ટેક્નિકલ ખામી સામે આવ્યા બાદ સાવચેતીના ભાગરૂપે ફ્લાઇટને ચેન્નાઈ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઇમરજન્સી વચ્ચે ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ
ફ્લાઇટ ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચે તે પહેલા એરપોર્ટ પર જરૂરી ઇમરજન્સી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ફાયર અને અન્ય સુરક્ષા ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી. બાદમાં ફ્લાઇટનું ચેન્નાઈ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તમામ 186 મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવવામાં આવ્યું છે.
લેન્ડિંગ બાદ ટો વાહનથી પાર્કિંગ સુધી પહોંચાડાયું વિમાન
સુરક્ષિત લેન્ડિંગ બાદ વિમાનને ટો વાહનની મદદથી પાર્કિંગ વિસ્તારમાં લઈ જવામાં આવ્યું હતું. એરલાઇન અને ટેક્નિકલ ટીમ દ્વારા એન્જિનમાં સર્જાયેલી ખામીની તપાસ શરૂ કરવામાં આવી છે.
મુસાફરો માટે કરાઈ રોકાવાની વ્યવસ્થા
ફ્લાઇટના મુસાફરોને એરપોર્ટ પર રોકાવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્લાઇટને આગળ જવા માટે ક્યારે મંજૂરી આપવામાં આવશે તે અંગે ટેક્નિકલ તપાસ પૂર્ણ થયા બાદ નિર્ણય લેવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ ઇમરજન્સી લેન્ડિંગ બાદ પણ ચેન્નાઈ એરપોર્ટ પર અન્ય ફ્લાઇટ ઓપરેશન સામાન્ય રીતે ચાલુ રહ્યા હતા.
આ પણ વાંચો : Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?