calendar_todayAugust 28, 2026
Chhattisgarh News: બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્લેનનું ટાયર ફાટ્યું, 41 મુસાફરોના શ્વાસ અધ્ધર
છત્તીસગઢના બિલાસપુર એરપોર્ટ પર શુક્રવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. દિલ્હીથી બિલાસપુર પહોંચેલી એલાયન્સ એર (Alliance Air) ની ફ્લાઈટના લેન્ડિંગ વખતે અચાનક ટાયર ફાટી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્લેનમાં 37 મુસાફરો અને કેબિન ક્રૂના 4 સભ્યો સહિત કુલ 41 લોકો સવાર હતા. ઘટના બાદ તમામ 41 લોકોને સુરક્ષિત રીતે પ્લેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને પણ ઈજા પહોંચી ન હતી.
તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી
આ ઘટના શુક્રવારે સવારે અંદાજે 11 વાગ્યાની આસપાસ બની હતી.દિલ્હીથી આવેલી એલાયન્સ એરની ફ્લાઈટ (9I613) બિલાસપુર એરપોર્ટ પર ઉતરી રહી હતી તે જ સમયે વિમાનની ડાબી તરફનું ટાયર પંચર થઈને ફાટી ગયું હતું. ઘટના બનતાં જ એરપોર્ટ પર તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. ઇમરજન્સી પ્રોટોકોલ હેઠળ તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને રનવે પરથી સુરક્ષિત રીતે બહાર કાઢીને એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યા હતા.
આગળની તમામ ઉડાન રદ કરી દેવામાં આવી
ટાયરમાં ખામી સર્જાવાને કારણે આ વિમાનની આગળની તમામ ઉડાન રદ કરી દેવામાં આવી છે. આ જ ફ્લાઈટ બિલાસપુરથી આગળ પ્રયાગરાજ જવા માટે રવાના થવાની હતી, પરંતુ ટેકનિકલ સમસ્યા અને ટાયર ફાટવાની ઘટનાને પગલે પ્રયાગરાજ જતી ફ્લાઈટ રદ કરવી પડી હતી. ફ્લાઈટ કેન્સલ થવાને કારણે એરપોર્ટ પર પહોંચેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પ્લેનની ટેકનિકલ ચકાસણી કરવામાં આવી રહી છે
લેન્ડિંગ વખતે પ્લેનનું ટાયર કયા કારણોસર ફાટ્યું તે અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી સામે આવી નથી. એરલાઈન અને એવિએશનના અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. વિમાનમાં અગાઉથી કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી રનવે પર લેન્ડિંગ દરમિયાન ઘર્ષણને કારણે ટાયર પંચર થયું તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં એરલાઈન દ્વારા પ્લેનની ટેકનિકલ ચકાસણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Bollywood: કૃતિ સેનન બાદ સેલીના જેટલીના રક્ષાબંધન લૂક પર બબાલ, ડીપનેક બ્લાઉઝ પહેરતા થઈ ટ્રોલ