calendar_todaySeptember 10, 2026
Chotila: પોલીસ મથકનો જમાદાર લાંચ લેતા ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીઓમાં લાંચ જાણે વ્યવહાર બની ગયો હોય તેમ સરકારી અધીકારીઓ અને કર્મચારીઓ ખુલ્લેઆમ લાંચ માંગે છે. અરજદારોને પણ આવા ભ્રષ્ટ અધીકારીઓને અને કર્મચારીઓને નૈવેદ્ય ધરાવ્યા વગર કામ થતા ન હોઈ તેઓ નાણા દેવા મજબુર બને છે. ત્યારે ચોટીલા પોલીસ મથકનો જમાદાર રૂપીયા 27 હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ફસાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે. કાયદેસરનું કામ કરાવવુ હોય તો પણ અરજદારોને સરકારી કર્મીઓનાખીસ્સા ગરમ કરવા પડે છે. ત્યારે આવા જ એક બનાવમાં ચોટીલા પોલીસ મથકનો જમાદાર લાંચ લેતા એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાયો છે. મળતી માહીતી મુજબ ચોટીલા પોલીસની ટીમે થોડા દિવસો અગાઉ રૂપાવટી ગામે જુગારની રેડ કરી હતી. જેમાં ઝડપાયેલ જુગારીયાઓના જામીન કરાવવા હેડ કોન્સ્ટેબલ જયસુખ જાગાભાઈ જીડીયાએ રૂપીયા 27 હજારની લાંચ માંગી હતી. આ રકમ ફરિયાદીને આપવી ન હોઈ તેઓએ એસીબીનો ટોલ ફરી નંબર ઉપર સંપર્ક કર્યો હતો. જેમાં સુરેન્દ્રનગર એસીબી રાજકોટ એકમના ફીલ્ડ પીઆઈ આર.કે.સોલંકી સહિતની ટીમે તા. 9ના રોજ સાંજે ચોટીલા પોલીસ મથક કમ્પાઉન્ડમાં જ છટકુ ગોઠવ્યુ હતુ. અને ફરિયાદીના હાથે લાંચની રકમ રૂપીયા 27 હજાર લેતો જમાદાર જયસુખ જીડીયા સ્વીકારતા જ એસીબી ટીમ સામે આવી હતી. અને હેડ કોન્સ્ટેબલ જે.જે.જીડીયાને ઝડપી તેની સામે સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો