calendar_todaySeptember 9, 2026
CJIનો લાલઘૂમ અંદાજ, પેપર લીક વિરોધ કરનાર વિદ્યાર્થીને 5 લાખની નોટિસ ફટકારનાર અધિકારી પાસે માંગ્યો ખુલાસો!
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે દિલ્હીના જંતર-મંતર ખાતે પેપર લીક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર એક વિદ્યાર્થીને નોઈડા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા ૫ લાખ રૂપિયાના બોન્ડની નોટિસ ફટકારવા સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં સવાલ કર્યો છે કે કોઈપણ અધિકારી કે મેજિસ્ટ્રેટની કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાની હિંમત કેવી રીતે થઈ શકે?
શું હતો સમગ્ર મામલો?
ગત ૨૦ જુલાઈના રોજ વિદ્યાર્થીઓ દ્વારા 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના નેતૃત્વ હેઠળ પેપર લીક વિરુદ્ધ મોટું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તે સમયે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે વિરોધ કરનાર કોઈપણ વિદ્યાર્થી સામે કોઈ દબાણ કે જબરદસ્તી કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ આદેશ છતાં, ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી (GBU) ના વિદ્યાર્થી અક્ષત ત્રિપાઠીને શાંતિ જાળવવાના નામે ૫ લાખ રૂપિયાનો વ્યક્તિગત બોન્ડ જમા કરાવવા માટે નોટિસ મોકલવામાં આવી હતી. પોલીસનું આક્ષેપ હતો કે વિદ્યાર્થીએ અન્યને પ્રદર્શનમાં જોડાવા માટે પ્રેર્યા હતા, જોકે વિદ્યાર્થીએ આ આરોપો ફગાવી દીધા હતા.
કોર્ટની કડક પ્રતિક્રિયા
બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "કોઈ મેજિસ્ટ્રેટ આવો આદેશ આપવાની હિંમત કેવી રીતે કરી શકે? અમે સ્પષ્ટપણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી કરવામાં નહીં આવે." કોર્ટે સંબંધિત મેજિસ્ટ્રેટ અને અધિકારી પાસેથી આ મામલે સંતોષકારક ખુલાસો માંગ્યો છે અને તેમને કોર્ટમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
રાજકીય અને સામાજિક અસરો
આ વિરોધ પ્રદર્શન અને ત્યારબાદ થયેલા વિવાદોની વ્યાપક રાજકીય અસરો પણ જોવા મળી હતી. જંતર-મંતર પર થયેલા પ્રદર્શન અને સોનમ વાંગચુકની લાંબી ભૂખ હડતાળ બાદ કેન્દ્ર સરકારે આંદોલનકારીઓની માંગણીઓ સ્વીકારી લીધી હતી, જેના પરિણામે તે સમયે તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પદ પરથી હટાવવામાં આવ્યા હતા અને પ્રહલાદ જોશીને આ જવાબદારી સોંપવામાં આવી હતી. આ કેસમાં કોર્ટનું કડક વલણ વહીવટીતંત્રની મનમાની સામે એક મોટો ફટકો સાબિત થયું છે, અને ન્યાયતંત્ર દ્વારા વિદ્યાર્થીઓના અધિકારોનું રક્ષણ કરવા માટેની કડક કટિબદ્ધતા દર્શાવે છે.