android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dahod : ધરપકડ કરાયેલા જામનગરના પોલીસકર્મીનું દાહોદ સબજેલમાં મોત

calendar_todayOctober 12, 2026

Dahod : ધરપકડ કરાયેલા જામનગરના પોલીસકર્મીનું દાહોદ સબજેલમાં મોત

દાહોદ : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામે લોન મેળવવા માટે કથિત બનાવટી સરકારી પ્રમાણપત્રનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરવાના કેસમાં ધરપકડ કરાયેલા અને હાલ જામનગર ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી મોહન બારીયાનું દાહોદ સબજેલમાં મોત નીપજતાં ચકચાર મચી ગઈ છે.

ગરબાડાના માતવા ગામના મહેશ ચુનિયા મીનામા સહિતના આરોપીઓએ લોન મેળવવા માટે બનાવટી સરકારી પ્રમાણપત્રનો ઉપયોગ કરી સ્કોર્પિયો ગાડી CID ગોધરા ખાતે રૂા.45 હજારના માસિક ભાડે મૂકી હતી. જોકે, તપાસ દરમિયાન આ જ ગાડી વર્ષ 2018થી લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં જમા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ફરિયાદ બાદ તપાસ દરમિયાન જામનગર ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી મોહન બારીયાની સંડોવણી સામે આવતાં તેમની સામે પણ ગુનો નોંધાયો હતો. જેમની ગત તા.15 સપ્ટેમ્બરે ધરપકડ કરી દાહોદ સબજેલમાં મોકલી અપાયા હતા. ત્યારબાદ તેમની નિયમિત જામીન અરજી પણ કોર્ટે નામંજૂર કરી હતી. દરમિયાન આજે દાહોદ સબજેલમાં મોહન બારીયાને છાતીમાં દુઃખાવો ઉપડતાં અને તેમની તબિયત બગડતાં, આ અંગે જેલ સત્તાધીશોને જાણ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતાં, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ જેલ અધિક્ષકે દાહોદ ગ્રામ્ય પોલીસને કરતાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડી પોલીસે અકસ્માતે મોત અંગેની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો