android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dahod:તાપમાન 13 ડિગ્રી સુધી ગગડતાં શહેરીજનો ઠંડીમાં ઠૂંઠવાયા

calendar_todayJanuary 3, 2026

Dahod:તાપમાન 13 ડિગ્રી સુધી ગગડતાં શહેરીજનો ઠંડીમાં ઠૂંઠવાયા

દાહોદ શહેરમાં કડકડતી ઠંડીએ પકડ જમાવી છે. શનિવારે સવારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું. વહેલી સવારે તમામ વિસ્તારો તેમજ ખાસ કરીને હાઇવે ગાઢ ધુમ્મસ થી ઢંકાઈ ગયા હતા. જેને પગલે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડયો હતો. તેવા સમયે આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડવાનો વર્તારો હોવાનું જાણવા મળ્યુ છે.

દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનુ જોર વધ્યુ છે, ત્યારે છેલ્લા બે ત્રણ વર્ષમાં આ વખતનો શિયાળો સરખામણીએ વધારે થથરાવી રહ્યો છે..આ અગાઉ લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. રાત્રી દરમિયાન તાપમાનનો પારો સતત ગગડયો હતો અને વહેલી સવારે તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું. ઠંડીની તીવ્ર અનુભૂતિ સાથે જાગ્યા હતા. આજે તાપમાનનો પારો ગગડીને 13 ડિગ્રી સેલ્સિયસ જેટલો નીચો રહ્યો હતો. વહેલી સવારે જ્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા, ત્યારે તાપમાનનો આંકડો 13 ડિગ્રીની સપાટીએ પહોંચ્યો હતો. આ ઘટાડાએ સમગ્ર શહેરમાં શીત લહેર જેવી અસર પેદા કરી હતી. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનું જોર ખૂબ વધારે રહે છે, જેના કારણે લોકો ગરમ વસ્ત્રો, સ્વેટર, જેકેટ અને શાલમાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર સવારના સમયે ઓછી અવરજવર જોવા મળી હતી. મોર્નિંગ વોક તેમજ ચાની કીટલીઓ અને ગરમ નાસ્તાની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી હતી. દાહોદના ગરમ વસ્ત્ર્રોના બજારોમાં ભારે તેજી પણ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ આજરોજ વહેલી સવારે ગાઢ ધુમ્મસને પગલે અહલાદક વાતાવરણના દ્રશ્યો પણ સર્જાયા હતા. સમી સાંજથી મોડી રાત સુધી સોસાયટી શેરીઓમાં સામુહિક તાંપણાના જમાવડા જોવા મળે છે ત્યારે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડીને વધુ નીચે પહોંચવાની સત્તાવાર આગાહી હોવાનું જાણવા મળ્યુ છે. આમ આ આગાહી પ્રમાણે આ દિવસો દરમિયાન જીલ્લાની જનતા કડકડતી ઠંડીમાં ઠૂંઠવાશે તેમ લાગી રહ્યુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો